મુંબઈઃ ક્વિન્ટન ડિ કોક (52 બોલમાં 80 રન) ની દમદાર અડધી સદી અને અન્ય બેટરોના ઉપયોગી રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ-2022ની 15મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે પરાજય આપી સીઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે લખનઉના 6 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે દિલ્હીનો ત્રણ મેચમાં આ બીજો પરાજય છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉ સુપર જાયન્ટ્સને મળી સારી શરૂઆત
દિલ્હીએ આપેલા 150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સને સારી શરૂઆત મળી હતી. કેએલ રાહુલ અને ડિ કોકે પાવરપ્લેમાં ટીમનો સ્કોર 48 રન પર પહોંચાડી દીધો હતો. લખનઉની પ્રથમ વિકેટ 73 રનના સ્કોર પર પડી હતી. રાહુલ 25 બોલમાં 24 રન બનાવી કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. 


ડિ કોકની આક્રમક બેટિંગ
વિસ્ફોટક બેટર ઈવિન લુઈસ પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. લુઇસ 13 બોલમાં 5 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા લલિત યાદવને મળી હતી. ડિ કોકે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. ડી કોક 52 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 80 રન બનાવી આઉટ થયો હતો. ડિ કોકની સફળતા કુલદીપ યાદવને મળી હતી. 


દીપક હુડ્ડા 13 બોલમાં 11 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. ક્રુણાલ પંડ્યા 14 બોલમાં 1 સિક્સ સાથે 19 રન બનાવી અણનમ રહ્યો હતો. તો આયુષ ભદોણીએ 3 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 10 રન ફટકારી લખનઉને જીત અપાવી હતી.  


પૃથ્વી શોની ફોર્મમાં વાપસી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શોએ આક્રમક શરૂઆત અપાવી હતી. બીજીતરફ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરેલા ડેવિડ વોર્નરનું બેટ શાંત રહ્યુ હતું. વોર્નર અને શોએ પાવરપ્લેમાં વિના વિકેટે 52 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ પૃથ્વી શોએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. લખનઉને પ્રથમ સફળતા આઠમી ઓવરમાં મળી હતી. પૃથ્વી શો 34 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે 61 રન બનાવી કૃષ્ણપ્પા ગૌતમનો શિકાર બન્યો હતો. 


વોર્નર અને પોવેલ ફ્લોપ
આ સીઝનમાં પ્રથમ મેચ રમી રહેલા ડેવિડ વોર્નરે 12 બોલમાં માત્ર 4 રન બનાવ્યા હતા. વોર્નર ઈનિંગની નવમી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ રોવમૈન પોવેલ પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. પોવેલ 10 બોલમાં માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો. આ બંને સફળતા રવિ બિશ્નોઈને મળી હતી. 


પંત અને સરફરાઝની ધીમી બેટિંગ
દિલ્હીએ 11મી ઓવરમાં 74 રન પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ રિષભ પંત અને સરફરાઝ ખાન ક્રિઝ પર હતા. પરંતુ આ બંને ખેલાડીઓ આક્રમક શોટ્સ રમી શક્યા નહીં. રિષભ પંત 36 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 39 રન બનાવી અણનમ રહ્યો હતો. તો સરફરાઝ 28 બોલમાં 3 બાઉન્ડ્રી સાથે 36 રન બનાવી અણનમ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube