IPL 2022: રિષભ પંત અને રોહિત શર્મા કોના પર લગાવશે દાવ, જાણો શું હોઈ શકે છે મુંબઈ- દિલ્હીની પ્લેઈંગ-11
પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં દિલ્હી ટીમના કેપ્ટન ઋષભ પંત અને મુંબઈના કેપ્ટન રોહિત શર્મા આમને-સામને હશે.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની પ્રથમ ડબલ હેડર આજે (27 માર્ચ) રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં દિલ્હી ટીમના કેપ્ટન ઋષભ પંત અને મુંબઈના કેપ્ટન રોહિત શર્મા આમને-સામને હશે.
મેચ માટે પ્લેઈંગ-11 પસંદ કરવામાં સૌથી વધુ મુશ્કેલી ઋષભ પંતને પડી રહી છે. તેમના 5 સ્ટાર વિદેશી ખેલાડીઓ પ્રથમ મેચ રમી શકશે નહીં. આ ખેલાડીઓ છે ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, લુંગી એનગિડી, મુસ્તાફિઝુર રહેમાન અને એનરિક નોરખિયા. જ્યારે રોહિતની ટીમમાંથી સૂર્યકુમાર યાદવ ગેરહાજર રહેશે. તે ઈજાગ્રસ્ત છે અને બેંગ્લોરમાં સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે.
રોહિત સાથે ઈશાન કરી શકે છે ઓપનિંગ
આ મેચમાં રોહિત શર્માની સાથે હરાજીમાં આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશન ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. ઈશાનને મુંબઈની ટીમે 15.25 કરોડ રૂપિયાની બોલી પર ખરીદ્યો હતો. મિડલ ઓર્ડરમાં તિલક વર્મા, અમનમોલપ્રીત સિંહ/દેવલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ અને સંજય યાદવ આગળનો ભાગ સંભાળી શકે છે. બોલિંગમાં સ્પિન ઓલરાઉન્ડર સંજય યાદવ સહિત ટાઈમલ મિલ્સ, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન અને જસપ્રિત બુમરાહ પર જવાબદારી રહેશે.
દિલ્હી ટીમના 5 વિદેશી ખેલાડીઓ મેચ નહીં રમે
એવામાં ઋષભ પંતને સૌથી વધુ પરેશાની થવાની છે. તે પહેલી મેચમાં જ માત્ર બે વિદેશી ખેલાડીઓ ટિમ શિફર્ટ અને રોવમેન પોવેલ સાથે ઉતરી શકે છે. ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. તે 10 એપ્રિલ સુધી ટીમ સાથે જોડાશે. એવામાં આશંકા છે કે બન્ને શરૂઆતની 3 અથવા 4 મેચ રમી શકશે નહીં.
જ્યારે, દક્ષિણ આફ્રિકાના લુંગી એનગિડી અને બાંગ્લાદેશના મુસ્તાફિઝુર રહેમાન એકબીજા વિરુદ્ધ વન-ડે શ્રેણી રમી રહ્યા છે. આ બંને માત્ર પ્રથમ મેચ રમી શકશે નહીં. ઋષભ પંત માટે સૌથી મોટી સમસ્યા ફાસ્ટ બોલર એનરિક નોરખિયા છે, જે ટીમ સાથે તો જોડાઈ ચૂક્યા છે, પરંતુ ઈજાના કારણે શરૂઆતની કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે.
હોઈ શકે છે આ બંને ટીમોની પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: ઈશાન કિશન (wk), રોહિત શર્મા (c), તિલક વર્મા, અમનમોલપ્રીત સિંહ/ડેવાલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, સંજય યાદવ, ટાઈમલ મિલ્સ, જયદેવ ઉનડકટ, મુરુગન અશ્વિન અને જસપ્રિત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ટિમ શિફર્ટ, કેએસ ભરત/મનદીપ સિંહ, ઋષભ પંત (સી, વિકે), રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ અને કમલેશ નાગરકોટી/ચેતન સાકરિયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube