COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સિઝનમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એકદમ કંગાળ સાબિત થઈ રહી છે. ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે. જેમાં તેને બધામાં હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી વધારે 5 વખત ટાઈટલ જીતનારી ટીમ 15મી સિઝનમાં એક વિજય માટે સંઘર્ષ કરી રહી છે. તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્માએ અનુભવી ઝડપી બોલર ધવલ કુલકર્ણીની ડિમાન્ડ કરી છે. હવે ટૂંક સમયમાં આ બોલરને મુંબઈ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ રિપોર્ટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં જાહેર કરવામાં આવ્યો છે.


મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો ધવલ કુલકર્ણી:
33 વર્ષનો કુલકર્ણી અત્યારે આઈપીએલમાં હિંદી કોમેન્ટ્રી ટીમમાં સામેલ છે. તેને આ સિઝનમાં થયેલા મેગા ઓક્શનમાં કોઈપણ ટીમે ખરીદ્યો ન હતો. ધવલ કુલકર્ણી મુંબઈનો રહેવાસી છે. એવામાં તેને સારી રીતે ખ્યાલ છે કે મુંબઈના ત્રણ મેદાન વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં કેવી રીતે બોલિંગ કરવામાં આવે છે. જો કુલકર્ણી મુંબઈની ટીમમાં જોડાશે તો રોહિતને સૌથી વધારે ફાયદો થઈ શકે છે.


કુલકર્ણીના નામે 92 આઈપીએલ મેચમાં 86 વિકેટ:
કુલકર્ણીએ અત્યાર સુધી આઈપીએલમાં 92 મેચ રમી છે. જેમાં તેના નામે 86 વિકેટ છે. મુંબઈ ઈન્ડિયન્સ સિવાય તે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત લાયન્સ માટે તે રમી ચૂક્યો છે. મુંબઈની ટીમે કુલકર્ણીને 2020ની સિઝનમાં 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના પછી 2021ની સિઝનમાં પણ તે ટીમનો ભાગ હતો. જોકે તેને માત્ર એક જ મેચ રમવાની તક મળી હતી. ધવલ કુલકર્ણીએ ટીમ ઈન્ડિયા માટે 12 વનડે અને બે ટી-20 મેચ રમી છે. આ દરમિયાન વન-ડેમાં 19 અને ટી-20માં ત્રણ વિકેટ ઝડપી છે. આ ઝડપી બોલરે હાલમાં જ મુંબઈ માટે ત્રણ રણજી મેચ રમી હતી. જેમં તેણે 7 વિકેટ લીધી હતી.


રોહિત શર્મા ટીમને આપવા માગે છે મજબૂતી:
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, ટાઈમલ મિલ્સ, મુરુગન અશ્વિન. મુરુગન અશ્વિન જેવા શાનદાર બોલરો હોવા છતાં ટીમ એકપણ મેચ જીતી શકી નથી. એટલે કેપ્ટન રોહિત શર્માએ પોતાની ટીમની ઝડપી બોલિંગને ધાર આપવા માટે કુલકર્ણીને સામેલ કરવાની માગ કરી છે. કુલકર્ણી મુંબઈથી જ આવે છે. અને તે સારી રીતે જણે છેકે મુંબઈ અને પુણેમાં કેવી રીતે બોલિંગ કરવી.