Captain Hardik Pandya on Gujarat Titans: ગુજરાત ટાઈટન્સે રોમાંચક મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 રનથી હરાવી દીધી. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. મેચ જીત્યા છતાં હાર્દિક પંડ્યા ખુશ જોવા મળ્યો નહીં અને ટીમની એક સૌથી મોટી નબળાઈ જણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સની ટીમ આ છઠ્ઠી જીત સાથે પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ગઈ છે. પંડ્યાએ મેચ બાદ મજાકીયા અંદાજમાં દબાણ વિશે કહ્યું કે, 'ટુર્નામેન્ટ પૂરી થશે ત્યાં સુધીમાં તો મારા બધા વાળ ખરી જશે. ટીમ તરીકે અમે દબાણમાં રહ્યા છીએ, પરંતુ ખેલાડીઓએ મહત્વના સમયે જબરદસ્ત જોશ દેખાડ્યો છે.' આગળ બોલતા હાર્દિકે કહ્યું કે અમે મેચમાં 10થી 12 રન ઓછા બનાવ્યા. કેપ્ટન હાર્દિક ઈચ્છતો હતો કે તેના બેટ્સમેન વધુ રન બનાવે. 


ગુજરાત ટાઈટન્સના બોલર્સે મેચમાં કમાલ કરી બતાવ્યો. બોલરોના દમ પર જ ગુજરાતની ટીમ કેકેઆર વિરુદ્ધ જીત મેળવી શકી. હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે જે પ્રકારે સ્કોરનો બચાવ કર્યો તે શાનદાર હતો. રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, અને મોહમ્મદ શમીએ પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરી. જોસેફ અલ્ઝારીએ પણ સારું પ્રદર્શન કર્યું. યશ દયાલે બીજીવાર એક 'નો બોલ' નાખ્યો અને તે વધુ સારો બનશે'. રાશિદ ખાન પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો. જેણે 22 રન આપીને બે વિકેટ ઝડપી. 


હાર્દિક પંડ્યાએ કેકેઆર વિરુદ્ધ ધમાકેદાર ઈનિંગ રમી. તેણે 49 બોલમાં 67 રનની ઈનિંગ ખેલી. આ જ કારણે ગુજરાતની ટીમ કોલકાતાની ટીમ સામે સન્માનજનક સ્કોર કરી શકી. આ ઉપરાંત ડેવિડ મિલરે પણ 27 રનનું યોગદાન આપ્યું. આઈપીએલ 2022માં હાર્દિક પંડ્યા ખુબ જ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે પોતાના દમ પર ગુજરાતની ટીમને અનેક મેચો જીતાડી છે. 


આંદ્રે રસેલની ઘાતક બોલિંગ
આંદ્રે રસેલે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ઘાતક બોલિંગ કરી અને બેટિંગ પણ જબરદસ્ત કરી. તેણે મેચમાં એક જ ઓવર નાખી અને ચાર વિકેટ લીધી. જ્યારે આંદ્રે રસેલ બેટિંગ કરતો હતો ત્યારે કેકેઆરની ટીમ જીત તરફ આગળ વધી રહી હતી. રસેલના આઉટ થતા જ કેકેઆરની ટીમ પત્તાની જેમ વિખરાઈ ગઈ. રસેલે મેચમાં 25 બોલમાં 48 રન કરી. જેમાં એક ચોગ્ગો અને 6 છગ્ગા સામેલ હતા. તેણે કેકેઆરને મેચમાં જીતાડવાની ભરપૂર કોશિશ કરી પરંતુ બીજા ખેલાડીઓ તરફથી જોઈતો સાથ મળ્યો નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube