નવી દિલ્હી: ચેન્નાઈ સુપર કિંગ્સે રવિવારે હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં તેના અસલ મિજાજમાં રમી ભવ્ય જીત મેળવી. આ સાથે જ ફરીથી ટીમની કમાન સંભાળનાર મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ મોટું નિવેદન આપતા કહ્યું કે તેમણે કઈ પણ અલગ કર્યું નથી કારણ કે કેપ્ટન બદલાવવાથી બદલાવ જરૂરી હોતા નથી. આ ઉપરાંત ધોનીએ રવિન્દ્ર જાડેજા વિશે પણ મહત્વનું નિવેદન આપ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે રવિવારે રમાયેલી મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને 13 રનથી માત આપી હતી. મેચ બાદ કેપ્ટન ધોનીએ કહ્યું કે અમારો સ્કોર સારો હતો અને બોલર્સે પણ સારું પ્રદર્શન કર્યું. ખાસ કરીને સાતમી ઓવરથી લઈને 14મી ઓવર વચ્ચે સ્પીનર્સનું પ્રદર્શન ખુબ સારું હતું જે મહત્વનું સાબિત થયું. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશીપ છોડતા ધોની ટીમનો કેપ્ટન બન્યો. ધોનીએ જાડેજાએ કેપ્ટનશીપ છોડવા મુદ્દે કહ્યું કે જાડેજાને ગત સીઝનથી જ ખબર હતી કે તે આગામી સીઝનમાં કેપ્ટન હશે. પહેલી બે મેચમાં મે તેની મદદ પણ કરી, પરંતુ ત્યારબાદ તેને કેપ્ટન તરીકે નિર્ણય લેવા જણાવ્યું. મે તેને કહ્યું કે હવે તે કેપ્ટન છે અને તેણે નિર્ણય લેવા પડશે અને તેની જવાબદારી પણ છે. 


આઈપીએલની આ સીઝનમાં ગત સીઝનની વિજેતા ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સનું આ વખતે ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. ટીમ અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી 3 મેચમાં જ જીત મેળવી શકી છે. ધોનીએ વધુમાં કહ્યું કે કેપ્ટન બન્યા બાદ અપેક્ષાઓ પણ વધે છે, જેનાથી ખેલાડીના પ્રદર્શન પર અસર પડતી હોય છે. આ જ જાડેજા સાથે થયું. તેની તૈયારી પર અસર પડી. બેટ અને  બોલથી તે પહેલા જેવું પ્રદર્શન કરી શકતો નહતો. ધોનીએ એમ પણ કહ્યું કે જો તમે કેપ્ટનશીપ છોડી દો અને બેટિંગ, બોલિંગ તથા ફિલ્ડિંગમાં તમારું સર્વશ્રેષ્ઠ આપો તો તે મારા માટે સારું છે. અમે એક સારા ફિલ્ડરને મિસ કરી રહ્યા છીએ. મીડ વિકેટ પર એક સારા ફિલ્ડરની કમી ટીમને સાલે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube