IPL 2022: રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરીને જીતી મેચ, હૈદરાબાદનો 61 રને પરાજય
કેપ્ટન સંજૂ સેમસનની અડધી સદી અને અન્ય બેટરોની ઉપયોગી ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ની પાંચમી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 61 રને પરાજય આપ્યો છે.
પુણેઃ રાજસ્થાન રોયલ્સે આઈપીએલ-2022ની 5મી મેચમાં સનરાઇઝર્સને 61 રને પરાજય આપી પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. આ સાથે રાજસ્થાન રોયલ્સ આ સીઝનમાં પ્રથમ બેટિંગ કરીને જીત મેળવનાર પહેલી ટીમ બની છે. ટોસ હારીને બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટે 210 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 149 રન બનાવી શકી હતી.
એક સમયે તો હૈદરાબાદની 37 રન પર પાંચ વિકેટ પડી ગઈ હતી. અંતમાં એડન માર્કરમ અને વોશિંગટન સુંદરે શાનદાર બેટિંગ કરીને ટીમનો સ્કોર 150ને નજીક પહોંચાડ્યો હતો. રાજસ્થાન માટે યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણાને બે-બે સફળતા મળી હતી. આ રીતે રાજસ્થાને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનનો શાનદાર પ્રારંભ કર્યો છે.
સેમસન, પડિક્કલ, હેટમાયરની દમદાર બેટિંગ
આ પહેલા કેપ્ટન સંજૂ સેમસને મોર્ચાની આગેવાની કરતા 27 બોલમાં 55 રન બનાવ્યા, જેની મદદથી રાજસ્થાને 6 વિકેટે 210 રન બનાવ્યા હતા. સેમસન અને પડિક્કલે ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં પડિક્કલે 29 બોલમાં ચાર ફોર અને બે સિક્સની મદદથી 41 રન ફટકાર્યા હતા. સેમસને પોતાની ઈનિંગમાં પાંચ સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તો અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરે માત્ર 13 બોલમાં ત્રણ સિક્સની મદદથી 32 રન બનાવી રોયલ્સનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો.
પ્રથમ ઓવરમાં બટલરને મળ્યું જીવનદાન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનના ઓપનર જોસ બટલરને તે સમયે જીવનદાન મળ્યું, જ્યારે તે શૂન્ય રને હતો, કારણ કે ભુવીએ નો-બોલ ફેંક્યો હતો. બટલર (35) અને યશસ્વી જાયસવાલ (20) એ 58 રનની ભાગીદારી કરી ટીમને સારી શરૂઆત અપાવી હતી. બટલરે ઉમરાન મલિકની ચોથી ઓવરમાં બે સિક્સ અને બે ચોગ્ગા સાથે 21 રન ફટકાર્યા હતા.
પ્રસિદ્ધ કૃષ્ણાની ઘાતક બોલિંગ
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ મોટા લક્ષ્ય સામે દબાવમાં જોવા મળી હતી. હૈદરાબાદે માત્ર 37 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન કેન વિલિયમસન (2) ને સેમસનના હાથે કેચ કરાવતા પ્રસિદ્ધ કૃષ્ણાએ ટીમને સારી શરૂઆત અપાવી અને ત્યારબાદની ઓવરમાં રાહુલ ત્રિપાઠીને શૂન્ય રને આઉટ કર્યો હતો. ત્યારબાદ ટ્રેન્ટ બોલ્ટે પૂરનને આઉટ કરી રાજસ્થાનને ત્રીજી સફળતા અપાવી હતી. હૈદરાબાદે પાવરપ્લેમાં 3 વિકેટે 14 રન બનાવ્યા હતા. આઈપીએલમાં કોઈપણ ટીમનો આ સૌથી ખરાબ સ્કોર છે.
ત્યારબાદ યુજવેન્દ્ર ચહલે મોર્ચો સંભાળ્યો હતો. તેણે અભિષેક શર્મા (9) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ અબ્દુલ સમદ ચહલનો શિકાર બન્યો હતો. તે ચાર રન બનાવી આઉટ થયો હતો. ચહલે પોતાની ત્રીજી વિકેટના રૂપમાં રોમારિયો શેફર્ડને આઉટ કર્યો હતો. એડન માર્કરમે (અણનમ 57 રન) અને વોશિંગટન સુંદર (14 બોલમાં 40 રન) એ અંતમાં સારી બેટિંગ કરી હતી. પરંતુ તે બંને ટીમને જીત અપાવી શક્યા નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube