PBKS vs DC: દિલ્હી કેપિટલ્સે ખરાબ કરી પંજાબની પાર્ટી, રોમાંચક મેચમાં 15 રને હારી ધવનની ટીમ
DC vs PBKS: ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સની પ્લેઓફની આશાને મોટો ઝટકો આપ્યો છે. પ્લેઓફમાં પહોંચવા માટે કરો યા મરો મુકાબલામાં પંજાબ કિંગ્સનો દિલ્હી સામે 15 રને પરાજય થયો છે.
ધર્મશાલાઃ દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 15 રને પરાજય આપ્યો છે. આ હાર સાથે પંજાબ કેપિટલ્સની પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. પ્લેઓફની રેસમાં બની રહેવા માટે પંજાબે આજે જીત મેળવવી જરૂરી હતી, પરંતુ દિલ્હી સામે શિખર ધવનની ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. ધર્મશાલાના મેદાન પર પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટે 213 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 198 રન બનાવી શકી હતી.
દિલ્હીના બેટરો છવાયા
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં 61 રન ફટકારી દીધા હતા. શો અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ વોર્નર 31 બોલમાં 46 રન બનાવી કરનનો શિકાર બન્યો હતો. તો પૃથ્વી શોએ 38 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 54 રન ફટકાર્યા હતા.
રિલી રોસોની આક્રમક બેટિંગ
ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલા રિલી રોસોએ આઈપીએલમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી. રોસોએ 37 બોલમાં 6 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. રોસો 82 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સિવાય વિકેટકીપર ફિલ સોલ્ટ 14 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 26 રન બનાવી અણનમ રહ્યો હતો. પંજાબ તરફથી કરને બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચોઃ IND vs PAK: 15 વર્ષ બાદ ભારત-પાક વચ્ચે રમાશે ટેસ્ટ સિરીઝ? BCCIએ આપ્યો જવાબ
પંજાબની શરૂઆત ખરાબ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ શૂન્ય રનના સ્કોર પર કેપ્ટન શિખર ધવનની વિકેટ ગુમાવી હતી. ધવન ઈશાંતનો શિકાર બન્યો હતો. ત્યારબાદ પ્રભસિમરન સિંહ 19 બોલમાં ચાર ચોગ્ગા સાથે 22 રન બનાવી આઉટ થયો હતો. પંજાબને 50 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો.
લિયામ લિવિંગસ્ટોન સદી ચુક્યો
પંજાબ તરફથી લિયામ લિવિંગસ્ટોને અંત સુધી આક્રમક બેટિંગ કરીને પંજાબની જીતની આશા જીવંત રાખી હતી. લિવિંગસ્ટોન અંતિમ બોલ પર આઉટ થયો હતો. ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટરે 48 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 94 રન ફટકાર્યા હતા. આ સિવાય અથર્વ તાયડેએ 42 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું.
દિલ્હી તરફથી ઈશાંત શર્મા અને એનરિક નોર્ત્જેએ બે-બે વિકેટ ઝડપી હતી. તો ખલીલ અહમદ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube