CSK vs KKR: રાણા-રિંકૂની શાનદાર અડધી સદી, કોલકત્તાએ ચેન્નઈને 6 વિકેટે પરાજય આપ્યો
IPL 2023: આઈપીએલ-2023ની સીઝન ખુબ રોમાંચક બની રહી છે. અત્યાર સુધી 61 મેચ પૂર્ણ થઈ ચુકી છે પરંતુ હજુ એકપણ ટીમ પ્લેઓફમાં ક્વોલિફાઈ કરી શકી નથી. આજે કોલકત્તા સામે પરાજય બાદ ચેન્નઈ સુપર કિંગ્સે ટોપ-4માં પહોંચવા માટે રાહ જોવી પડશે.
ચેન્નઈઃ ચેન્નઈના ચેપોકમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023 (IPL 2023) ની 61મી મેચમાં કોલકત્તા નાઈટ રાઇડર્સે શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. કોલકત્તા સામે હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે પ્લેઓફની ટિકિટ મેળવવા માટે પોતાની અંતિમ લીગ મેચમાં દિલ્હી સામે જીત મેળવવી પડશે. બીજીતરફ આ જીત સાથે કોલકત્તાના 12 પોઈન્ટ થઈ ગયા છે અને તેની એક મેચ બાકી છે. એટલે કે કોલકત્તાની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના ઓછી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
નીતિશ રાણા અને રિંકૂ સિંહની શાનદાર અડધી સદી
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી કેપ્ટન નીતિશ રાણા અને રિંકૂ સિંહે શાનદાર અડધી સદી ફટકારી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી ટીમને જીત અપાવી હતી. રિંકૂ સિંહ 43 બોલમાં 4 ફોર અને 3 સિક્સ સાથે 54 રન બનાવી રનઆઉટ થયો હતો. નીતિશ રાણા 44 બોલમાં 6 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 57 રન બનાવી અણનમ રહ્યો હતો.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં દીપક ચાહરે ગુરબાઝ (1) ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ વેંકટેશ અય્યર (9) ને આઉટ કર્યો હતો. જેસન રોય 15 બોલમાં 12 રન બનાવી દીપક ચાહરનો શિકાર બન્યો હતો. ચેન્નઈ તરફથી દીપક ચાહરે ત્રણ વિકેટ લીધી હતી.
ચેન્નઈની ઈનિંગનો રોમાંચ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને 31 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 17 રન બનાવી વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ અજિંક્ય રહાણે 11 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. ડેવોન કોનવે 28 બોલમાં 30 રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. અંબાતી રાયડૂ માત્ર 4 રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો.
ચેન્નઈ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. દુબેએ 34 બોલમાં 1 ફોર અને ત્રણ સિક્સ સાથે અણનમ 48 રન બનાવ્યા હતા. મોઈન અલી 1 રન બનાવી નારાયણનો શિકાર બન્યો હતો. રવીન્દ્ર જાડેજાએ 24 બોલનો સામનો કરતા 20 રન બનાવ્યા હતા. ધોની 2 રન બનાવી અણનમ રહ્યો હતો. કોલકત્તા તરફથી સુનીલ નારાયણ અને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. આ સિવાય વૈભવ અરોરા અને શાર્દુલને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube