GT vs LSG: લો-સ્કોરિંગ મેચમાં ગુજરાતનો જલવો, લખનઉ સુપર જાયન્ટ્સને 7 રને હરાવ્યું
IPL 2023: હાર્દિક પંડ્યાની શાનદાર અડધી સદી બાદ બોલરોના દબદબાભેરના પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલમાં પોતાની ચોથી જીત મેળવી છે.
લખનઉઃ ગુજરાત ટાઈટન્સે દમદાર બોલિંગ કરી લો-સ્કોરિંગ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 128 રન બનાવી શકી હતી. ગુજરાત ટાઈટન્સે ટૂર્નામેન્ટમાં ચોથી જીત મેળવી છે. જ્યારે લખનઉનો સાત મેચમાં આ ત્રીજો પરાજય છે.
કેપ્ટન હાર્દિક પંડ્યા અને સાહાની શાનદાર બેટિંગ
ગુજરાત તરફથી આજે કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતા 66 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યાએ 50 બોલમાં બે ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. આ સિવાય રિદ્ધિમાન સાહાએ 37 બોલમાં છ સિક્સ સાથે 47 રન બનાવ્યા હતા. ઓપનર શુભમન ગિલ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. અભિનમ મનોહરે 3 રનનું યોગદાન આપ્યું હતું.
વિજય શંકર 10 રન બનાવી આઉટ થયો હતો. ડેવિડ મિલરે 12 બોલમાં 6 રન બનાવ્યા હતા. રાહુલ તેવતિયા 2 રન બનાવી અણનમ રહ્યો હતો. લખનઉ તરફથી કૃણાલ પંડ્યા તથા માર્કસ સ્ટોયનિસે બે-બે તથા મિશ્રા અને નાવેદ-ઉલ હકે એક-એક વિકેટ લીધી હતી.
ગુજરાતે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનઉએ સારી શરૂઆત કરી હતી. કેએલ રાહુલ અને માયર્સે 6.3 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 55 રનની ભાગીદારી કરી હતી. માયર્સ 19 બોલમાં 24 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ અને કૃણાલ પંડ્યાએ બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. પંડ્યા 23 રન બનાવી આઉટ થયો હતો.
કેએલ રાહુલે લખનઉ તરફથી 61 બોલમાં 8 ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા હતા. એક સમયે લાગી રહ્યું હતું કે લખનઉ આસાનીથી મેચ જીતી જશે. પરંતુ અંતિમ ત્રણ ઓવરમાં ગુજરાતના બોલરોએ દમદાર વાપસી કરી હતી. નિકોલસ પૂરન 1, આયુષ ભદોની 8, સ્ટોયનિસ 0, દીપક હુડ્ડા 2 રન બનાવી આઉટ થયા હતા. મોહિત શર્માએ અંતિમ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી.