લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 50 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉએ મેયર્સના 73 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 193 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવી શકી હતી. લખનઉ તરફથી માર્ક વુડે 5 વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 41 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. ઓપનર પૃથ્વી શો 12 રન બનાવી માર્ક વુડનો શિકાર બન્યો હતો. ત્યારબાદ માર્ક વુડે મિચેલ માર્શ (0) ને બોલ્ડ કરી લખનઉને મોટી સફળતા અપાવી હતી. યુવા બેટર સરફરાઝ ખાન પણ માત્ર 4 રન બનાવી વુડનો શિકાર બન્યો હતો. 


દિલ્હી કેપિટલ્સે 48 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રિઇલી રોસોએ 20 બોલમાં 30 રન ફટકાર્યા હતા. રોસો બિશ્નોઈનો શિકાર બન્યો હતો. રોવમૈન પોવેલ માત્ર 1 રન બનાવી બિશ્નોઈનો શિકાર બન્યો હતો. આવેશ ખાને અમન હકિમ ખાન (4) ને આઉટ કરી દિલ્હીને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. દિલ્હી તરફથી માત્ર કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. વોર્નર 48 બોલમાં સાત ચોગ્ગા સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. 


માર્ક વુડની પાંચ વિકેટ
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી માર્ક વુડે શાનદાર બોલિંગ કરી હતી. માર્ક વુડે 4 ઓવરમાં 14 રન આપી દિલ્હીના પાંચ બેટરોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. આ સિવાય આવેશ ખાન અને રવિ બિશ્નોઈએ બે-બે સફળતા મેળવી હતી. 


કાઈલ મેયર્સની વિસ્ફોટક બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન કેએલ રાહુલ (8) રન બનાવી ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા અને કાઈલ મેયર્સે ઈનિંગને સંભાળી હતી. મેયર્સે પાવરપ્લેમાં મળેલા જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો હતો. મેયર્સે શાનદાર બેટિંગ કરતા માત્ર 38 બોલમાં 73 રન ફટકારી દીધા હતા. મેયર્સે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. 


દીપક હુડ્ડા 17 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. માર્કસ સ્ટોયનિસ માત્ર 12 રન બનાવી શક્યો હતો. નિકોસન પૂરને પણ કેટલાક આકર્ષક શોટ્સ ફટકારતા 36 રન બનાવ્યા હતા. પૂરને 21 બોલની ઈનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આયુષ ભદોનીએ 7 બોલમાં બે સિક્સ અને 1 ચોગ્ગા સાથે 18 રન બનાવ્યા હતા. ક્રુણાલ પંડ્યા 15 અને કૃષ્ણપ્પા ગૌતમ 6 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


દિલ્હી કેપિટલ્સ તરફથી ખલીલ અહમદે 30 રન આપી બે વિકેટ ઝડપી હતી. આ સિવાય ચેતન સાકરિયાને બે તથા અક્ષર અને કુલદીપને એક-એક વિકેટ મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube