RR vs CSK: ચેન્નઈનો વિજય રથ રોકાયો, રાજસ્થાન 32 રને જીતી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યું
RR vs CSK, IPL 2023: રાજસ્થાન રોયલ્સે આઈપીએલની 37મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 32 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
જયપુરઃ સતત ત્રણ મેચ જીતીને જયપુર પહોંચેલી ચેન્નઈ સુપર કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 32 રને પરાજય થયો છે. આ જીત સાથે સંજૂ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવી શકી હતી. ચેન્નઈનો આઠ મેચમાં આ ત્રીજો પરાજય છે અને ધોનીની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે.
રાજસ્થાન તરફથી યશસ્વી જાયસવાલે ટૂર્નામેન્ટની ત્રીજી અડધી સદી ફટકારતા 43 બોલમાં 77 રન બનાવ્યા હતા. યશસ્વીએ પોતાની ઈનિંગમાં 8 ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. જોસ બટલર 21 બોલમાં 27 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન સંજૂ સેમસને 17 બોલમાં 17 રન ફટકાર્યા હતા. શિમરોન હેટમાયર માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો.
અંતિમ ઓવરમાં ધ્રુવ જુરેલ 15 બોલમાં 3 ફોર અને બે સિક્સ સાથે 34 રન અને પડિક્કલ 13 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 27 રનની આક્રમક બેટિંગની મદદથી રાજસ્થાનની ટીમ 200 રન બનાવવામાં સફળ રહી હતી. ચેન્નઈ તરફથી તુષાર દેશપાંડેએ બે, તીક્ષ્ણા અને જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ IPL 2023 માં દુનિયાભરના સુપરસ્ટાર ફેલ, રોહિત શર્માના નામે પણ શરમજનક રેકોર્ડ
ચેન્નઈની ઈનિંગ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને 42 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેવોન કોનવે માત્ર 8 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. અજિંક્ય રહાણે પણ 15 રન બનાવી આઉટ થયો હતો. રુતુરાજ ગાયકવાડે 29 બોલમાં પાંચ ફોર અને એક સિક્સ સાથે 47 રન બનાવ્યા હતા. અંબાતી રાયડૂ 0 રન બનાવી આઉટ થયો હતો.
શિવમ દુબેએ ટૂર્નામેન્ટમાં વધુ એક અડધી સદી ફટકારતા અણનમ 53 રન બનાવ્યા હતા. દુબેએ પોતાની 33 બોલની ઈનિંગમાં ચાર સિક્સ અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. મોઈન અલી 20 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. રવિન્દ્ર જાડેજા 23 રન બનાવી અણનમ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube