હૈદરાબાદઃ વિરાટ કોહલી (100 રન, 63 બોલ) અને ફાફ ડુ પ્લેસિસ (71 રન) ની શાનદાર બેટિંગની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મહત્વના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. હવે આરસીબીએ પ્લેઓફમાં એન્ટ્રી મેળવવા માટે પોતાની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સને પરાજય આપવો પડશે. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 19.2 ઓવરમાં 2 વિકેટે 187 રન બનાવી મેચ જીતી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલી અને ફાફનું વાવાઝોડું
હૈદરાબાદે આપેલા 187 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ આક્રમક શરૂઆત કરી હતી. ફાફ અને કોહલીએ પાવરપ્લેમાં વિના વિકેટે 64 રન જોડી દીધા હતા. પાવરપ્લે બાદ પણ બંને બેટરોએ આક્રમક બેટિંગ કરવાનું જારી રાખ્યું હતું. બંને બેટરોએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. 


આ પણ વાંચોઃ કોહલીના નામે નોંધાયો વધુ એક 'વિરાટ' રેકોર્ડ, RCB માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટર


વિરાટ કોહલીએ અડધી સદી પૂરી કર્યા બાદ વધુ આક્રમક સાથે બેટિંગ કરી હતી. કોહલીએ 63 બોલમાં 12 ચોગ્ગા અને ચાર સિક્સ સાથે પોતાની સદી પૂરી કરી હતી. કોહલી 100 રન બનાવી ભુવનેશ્વરનો શિકાર બન્યો હતો. ફાફ ડુ પ્લેસિસ 47 બોલમાં 7 ફોર અને બે સિક્સ સાથે 71 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ મેક્સવેલ અને બ્રેસવેલે મળી આરસીબીને વિજય અપાવ્યો હતો. 


હેનરિક ક્લાસેનની સદી પાણીમાં
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પણ હેનરિક ક્લાસેને દમદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. ક્લાસેને 51 બોલમાં 8 ફોર અને 6 સિક્સ સાથે 104 રન ફટકાર્યા હતા. આ સિવાય હેરી બ્રૂકે 19 બોલમાં 27 રન બનાવ્યા હતા. હૈદરાબાદનો ઓપનર અભિષેક શર્મા 11 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠીએ 12 અને કેપ્ટન માર્કરમે 18 રનનું યોગદાન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube