IPL 2024: ગયા વર્ષે ટ્રોફી જીતનારી CSK કેમ પ્લેઓફમાં પણ ન પહોંચી? ધોની સહિત આ 5 કારણો પર ફેરવો નજર
IPL 2024: પાંચવાર આઈપીએલની ટ્રોફી જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ વખતે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024 ના પ્લેઓફ સુધી પહોંચી શકી નહીં. તે માટે કેટલાક કારણો સમજવા જરૂરી છે.
પાંચવાર આઈપીએલની ટ્રોફી જીતી ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) આ વખતે ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024 ના પ્લેઓફ સુધી પહોંચી શકી નહીં. પોતાના અંતિમ લીગ મુકાબલામાં સીએસકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે 27 રનથી હારી ગઈ. આરસીબી અને સીએસકે બંનેના 14-14 પોઈન્ટ થયા પરંતુ સારા રનરેટના પગલે આરસીબી પ્લેઓફમાં ક્વોલીફાય કરી ગઈ.
અત્રે જણાવવાનું કે મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા સીએસકેની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આવામાં ઋતુરાજ ગાયકવાડને જવાબદારી મળી. ઋતુરાજે બેટિંગ તો શાનદાર કરી અને 14 મેચમાં 583 રન પણ કર્યા. પરંતુ તે ટીમની નૈયા પાર પાડી શક્યો નહીં. આવામાં સીએસકેનું છઠ્ઠીવાર ટ્રોફી જીતવાનું સપનું પણ રોળાઈ ગયું. સીએસકે પ્લેઓફમાં પહોંચી શકી જ નહીં. તો તે માટે કેટલાક કારણો સમજવા જરૂરી છે.
ફાસ્ટ બોલરો
સમગ્ર સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના ફ્રન્ટલાઈન ફાસ્ટ બોલર્સની ઈજાના કારણે અને કેટલાક ખેલાડીઓની ગેરહાજરીથી પરેશાન રહી. મથીશા પથિરાના હેમસ્ટ્રિંગ ઈન્જરીથી પીડાતો હતો અને ફક્ત 6 મેચ રમી શક્યો. ઈજાના કારણે અધવચ્ચે શ્રીલંકા પાછો ફર્યો. બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝૂર રહેમાન પણ ઝિમ્બાબ્વે સામે સિરીઝના કારણે 1 મેના રોજ દેશ પાછો ગયો. ફાસ્ટ બોલર દીપક ચાહર પણ ઈજા સામે ઝઝૂમી રહ્યો હતો અને આઠ મેચ રમી શક્યો. આવામાં ફાસ્ટ બોલિંગ યુનિટ નબળું પડ્યું. મોઈન અલી પણ ઈંગ્લેન્ડ પાકિસ્તાન સિરીઝના કારણે છેલ્લી મેચ માટે ટીમમાં સામેલ ન રહ્યો.
ધોની
કેપ્ટનશીપ છોડવા છતાં એમએસ ધોનીનો જલવો તો કાયમ રહો અને સીઝનમાં બેટિંગ પણ જબરદસ્ત કરી. 42 વર્ષના ધોનીએ 11 મેચમાં 220.54ના તોફાની સ્ટ્રાઈકરેટની મદદથી 161 રન કર્યા. જો કે સારા ફોર્મમાં હોવા છતાં ધોની મોટાભાગની મેચોમાં નીચલા ક્રમમાં બેટિંગ માટે ઉતર્યા. ધર્મશાળામાં રમાયેલી મેચમાં તો શાર્દુલ ઠાકુર કરતા પણ પછી આવ્યા. ધોની હાલની સીઝનમાં જે ફોર્મમાં હતા તે જોતા આગળના ક્રમમાં બેટિંગ કરવા ઉતર્યા હોત તો ભાગ્ય ચમકી શક્યું હોત. ધોની છેલ્લા કેટલાક સમયથી ઘૂંટણની સમસ્યાથી પીડાય છે. કદાચ એટલે જ યુવા ખેલાડીઓને રમવા માટે તક આપી.
શિવમ દૂબે
મીડલ ઓર્ડર બેટર શિવમ દુબેનું ફોર્મ પણ ટાંકણે જ ગબડ્યું. આઈપીએલ 2024ની શરૂઆતની 8 મેચોમાં શિવમ દુબેએ 350 રન કરી નાખ્યા અને એવરેજ 58.33ની હતી. પરંતુ છેલ્લી 5 મેચમાં શિવમે માત્ર 46 રન કર્યા. આ દરમિયાન તે બેવાર શૂન્ય પર આઉટ થયો. આરસીબી સામેની મહત્વની મેચમાં પણ શિવમ આઉટ ઓફ ફોર્મ જોવા મળ્યો. 15 બોલમાં ફક્ત 7 રન કર્યા.
રહાણેનો ફ્લોપ શો
અનુભવી ખેલાડી અજિંક્ય રહાણેનું ફોર્મ આ સીઝનમાં એકદમ ફ્લોપ રહ્યું. શરૂઆતની મેચોમાં રહાણેને મધ્યમક્રમમાં તક મળી ત્યારબાદ ઓપનિંગ પણ ટ્રાય કરવામાં આવી. પણ રહાણે છાપ છોડી શક્યો નહીં. રહાણે આઈપીએલ 2024માં 13 મેચ રમ્યો અને 242 રન કર્યા. આ દરમિયાન 20.16ની એવરેજ અને 123.46ની સ્ટ્રાઈક રેટ રહી. જો રહાણેના ગત વખતના આંકડા જોઈએ તો સ્પષ્ટ થાય કે આ વખતે તેનું ફોર્મ કેટલું ડાઉન રહ્યું. ગત વખતે 14 મેચમાં 32.60ની એવરેજથી 326 રન કર્યા અને સ્ટ્રાઈક રેટ પણ 172.49ની હતી.
રવિન્દ્ર-મીચેલનું નિરાશાજનક પ્રદર્શન
ન્યૂઝીલે્ડના ઈન્ટરનેશનલ ખેલાડીઓ રચિન રવિન્દ્ર અને ડેરિલ મીચેલે આઈપીએલ 2024માં નિરાશાજનક પ્રદર્શન કર્યું. રવિન્દ્રએ 10 મેચમાં 22.20 રનની એવરેજથી 222 રન કર્યા. રચિન ફક્ત એક મેચમાં 50 રનનો આંકડો પાર કરી શક્યો. જ્યારે ડેરિલ મીચેલે 13 મેચમાં 28.90ની સરેરાશથી 318 રન કર્યા જેમાં 2 અડધી સદી સામેલ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube