ધર્મશાલાઃ ચેન્નઈ સુપર કિંગ્સે પ્લેઓફની આશા જીવંત રાખતા આજે પંજાબ કિંગ્સ સામે રને શાનદાર જીત મેળવી છે. ચેન્નઈ સુપર કિંગ્સની ટૂર્નામેન્ટમાં આ છઠ્ઠી જીત છે અને તેના 12 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે ચેન્નઈએ પાંચ દિવસ પહેલા પંજાબ સામે મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 9 વિકેટે 167 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 139 રન બનાવી શકી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુષાર દેશપાંડેએ કર્યો કમાલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને શરૂઆતી ઝટકા લાગ્યા હતા. તુષાર દેશપાંડેએ ઈનિંગની બીજી ઓવરમાં ચેન્નઈ સુપર કિંગ્સને બે સફળતા અપાવી હતી. જોની બેયરસ્ટો અને રાઇલી રુસો બોલ્ડ થયા હતા. ત્યારબાદ પ્રભસિમરન અને શશાંક સિંહે ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. પરંતુ શશાંક સિંહ 27 રન બનાવી આઉટ થયો હતો. 


પ્રભસિમરન સિંહે 23 બોલનો સામનો કરતા બે ફોર અને બે સિક્સ સાથે 30 રન બનાવ્યા હતા. 62 રન પર ત્રીજી વિકેટ ગુમાવનાર પંજાબ કિંગ્સને 78 રન પર સાતમો ઝટકો લાગ્યો હતો. સેમ કરન 7, જીતેશ શર્મા 0 અને આષુતોશ શર્મા 3 રન બનાવી આઉટ થયા હતા. રાહુલ ચહર 16 રન બનાવી આઉટ થયો હતો. 


ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રવીન્દ્ર જાડેજા બોલિંગમાં પણ સૌથી સફળ રહ્યો હતો. જાડેજાએ 4 ઓવરમાં માત્ર 20 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય તુષાર દેશપાંડેને 2, સિમરજીત સિંહને બે સફળતા મળી હતી. જ્યારે શાર્દુલ ઠાકુર અને મિચેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી.


ચેન્નઈ સુપર કિંગ્સની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. અજિંક્ય રહાણે 9 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડેરેલ મિચેલ અને કેપ્ટન ગાયકવાડે બીજી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડ 21 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 32 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મિચેલ 30 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 


શિવમ દુબે પણ ખાસ કમાલ કરી શક્યો નહીં અને શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. દુબેની સફળતા રાહુલ ચહરને મળી હતી. મોઈન અલીએ 20 બોલમાં 17 રન ફટકાર્યા હતા. ચેન્નઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ રન ફટકાર્યા હતા. જાડેજાએ 26 બોલમાં 3 ચોગ્ગા અને બે સિક્સ સાથે 43 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનર 11 રન બનાવી આઉટ થયો હતો. 


શાર્દુલ ઠાકુરે 11 બોલમાં 2 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 17 રન બનાવ્યા હતા. જ્યારે એમએસ ધોની શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ધોનીને હર્ષલ પટેલે બોલ્ડ કર્યો હતો. તુષાર દેશપાંડે 0 અને રિચાર્ડ ગ્લીસન 2 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચહર અને હર્ષલ પટેલે કમાલની બોલિંગ કરતા ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહને બે અને સેમ કરનને એક સફળતા મળી હતી.