IPL 2024ની સીઝનમાં કઈક એવું જોવા મળી રહ્યું છે જેણે ક્રિકેટ જગતને હચમચાવી દીધુ છે. ગઈ કાલે 26મી એપ્રિલે સાંજે જે જોવા મળ્યું તે જોઈને ભલભલા ચકિત થઈ ગયા. પણ આ બધા વચ્ચે વિજેતા ટીમના કેપ્ટન સેમ કુરને જે પણ મહેસૂસ કર્યું તે વિચારવા લાયક છે. સેમ કુરન પંજાબની ટીમનો કેપ્ટન છે. એટલે કે એ ટીમ જેણે કાલે રેકોર્ડ બનાવી દીધો. વર્લ્ડ રેકોર્ડની સાથે મુકાબલો જીતનારી ટીમ....છતાં આ કેપ્ટને મેચ બાદ આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેણે ક્રિકેટ વિશે મોટી વાત કરી નાખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચના પરિણામે લોકોને હચમચાવી દીધા
સેમ કુરને શું કહ્યું તે જાણીએ તે પહેલા કાલની મેચ વિશે જાણવું પણ અત્યંત જરૂરી છે. ગઈ કાલે કોલકાતાના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. પહેલા KKR એ ધમાકેદાર બેટિંગ કરી અને કુલ 16 છગ્ગા સાથે 20 ઓવરમાં 6 વિકેટ પર 261 રન કર્યા. જવાબમાં પંજાબ કિંગ્સે 24 છગ્ગા મારતા 262 રનના સૌથી વિશાળ લક્ષ્યાંકને 8 બોલ બાકી હતા ત્યારે જ ચેઝ કરી  લીધુ. આમ બંને ટીમોએ મળીને મેચમાં 523 રન કર્યા અને 42 છગ્ગા ફટકાર્યા. 


સેમ કુરને શું કહ્યું?
સેમ કરન પોતે 42 છગ્ગાવાળી આ મેચનો ભાગ રહ્યો પરંતુ તે પણ અંદરથી હચમચી ગયો હોય તેવું લાગ્યું. કારણ કે મેચ બાદ  તેણે જે નિવેદન આપ્યું તે એવો જ કઈક સંકેત આપે છે. પંજાબ કિંગ્સના કેપ્ટનને જ્યારે સવાલ પૂછાયો તો તેણે કહ્યું કે ક્રિકેટ હવે બેસબોલમાં ફેરવાઈ રહ્યું છે. હા કે ના? સેમ કુરને ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ પર હાઈ સ્કોરિંગ ચેઝમાં મળેલી 8 વિકેટથી જીતને ટીમ માટે એક ટોનિક ગણાવ્યું. તેણે કહ્યું કે આ જીત ખુબ મહત્વની રહી. 2 પોઈન્ટ જે આ જીતથી અમને મળ્યા તે ખુબ મહત્વના છે. અમારા માટે આ અઠવાડિયું ખુબ કપરું વિત્યું છે. અમે આ જીતથી હારનો સિલસિલો તોડ્યો છે. તેણે જણાવ્યું કે પંજાબ કિંગ્સ જીતની હકદાર હતી અને તેને આ જીત મળી. 


પંજાબ હજુ પણ પ્લેઓફની દોડમાં
KKR ની જીત બાદ પંજાબ કિંગ્સના 9 મેચ બાદ 6 પોઈન્ટ થયા છે. એટલે કે પોઈન્ટ ટેબલમાં 8માં નંબરે છે પરંતુ આમ છતાં તે પ્લેઓફની રેસમાં છે. બીજી બાજુ KKR ના કોન્ફિડન્સ પર આ સજ્જડ હારની અસર પણ જોવા મળી છે. પોઈન્ટ ટેબલમાં જો કે કોઈ અસર નથી કારણ કે હજુ પણ 8 મેચમાં 10 અંક સાથે બીજા સ્થાને છે. 



અશ્વિને પણ રોષ વ્યક્ત કર્યો 
ભારતીય ટીમ અને રાજસ્થાન રોયલ્સના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ જાણે કોલકાતા અને પંજાબની મેચ તરફ ઈશારો કરતી એક પોસ્ટ એક્સ પર શેર કરી. લાગે છે કે જે રીતે બોલરોની ધોલાઈ થઈ તેનાથી અશ્વિન  બિલકુલ ખુશ નથી. તેમણે આ મુદ્દો ઉઠાવતા પોતાની પોસ્ટ દ્વારા એક મોટી માંગણી કરી છે. જેના પર ફેન્સે પણ પ્રતિભાવ આપ્યા છે. અશ્વિને કહ્યું કે 'કોઈ તો પ્લીઝ...બોલરોને બચાવી લો'. ફેન્સે પણ આ પોસ્ટ પર જાત જાતની પ્રતિક્રિયા આપી.