DC vs KKR: કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે દિલ્હી કેપિટલ્સનો ધબડકો, 106 રને હારી પંતની ટીમ
IPL 2024: શ્રેયસ અય્યરની આગેવાનીમાં કોલકત્તા નાઈટ રાઇડર્સે ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. કોલકત્તાએ સતત ત્રીજી જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને જગ્યા બનાવી લીધી છે.
વિશાખાપટ્ટનમઃ કોલકત્તા નાઈટ રાઈડર્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસનો બીજો સર્વોચ્ચ સ્કોર (272/7) રન બનાવી દિલ્હી કેપિટલ્સને 106 રને પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે ચાર મેચમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. કોલકત્તા નાઈટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 272 રન ફટકારી દીધા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 17.2 ઓવરમાં 166 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
સુનીલ નરેનનું વાવાઝોડું
કોલકત્તા તરફથી ઓપનિંગ કરવા આવેલા સુનીલ નરેન અને ફિલ સોલ્ટે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. સોલ્ટ 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો પરંતુ સુનીલ નરેને આક્રમક બેટિંગ કરી હતી. નરેને માત્ર 39 બોલમાં 7 ચોગ્ગા અને 7 સિક્સ સાથે 85 રન ફટકાર્યા હતા. કોલકત્તાએ પાવરપ્લેમાં 88 રન બનાવ્યા હતા.
કોલકત્તા તરફથી અંગકૃષ રઘુવંશીએ પણ 27 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 54 રન ફટકાર્યા હતા. ત્યારબાદ આંદ્રે રસેલે 19 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. જ્યારે રિંકૂ સિંહે માત્ર 8 બોલમાં ત્રણ સિક્સ સાથે 26 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયષ અય્યરે 11 બોલમાં 2 સિક્સ સાથે 18 રન ફટકાર્યા હતા. કોલકત્તાએ પોતાની ઈનિંગમાં 18 સિક્સ ફટકારી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સનો ધબડકો થયો હતો. ડેવિડ વોર્નર 18, પૃથ્વી શો 10, મિચેલ માર્શ અને અભિષેક પોરેલ શૂન્ય-શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી તરફથી રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. પંતે 25 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ સિક્સ સાથે 55 રન બનાવ્યા હતા. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 54 રન બનાવ્યા હતા.
કોલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી મિચેલ સ્ટારેક 25 રન આપી બે વિકેટ લીદી હતી. આ સિવાય વૈભવ અરોરાએ 4 ઓવરમાં 27 રન આપીને ત્રણ તો વરૂણ ચક્રવર્તીએ 33 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આંદ્રે રસેલ અને સુનીલ નરેનને પણ એક-એક વિકેટ મળી હતી.