કોલકત્તાઃ કોલકત્તા નાઇટ રાઇડર્સે છેલ્લા બોલ સુધી રોમાંચક બનેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રને પરાજય આપી જીત સાથે શરૂઆત કરી છે. હર્ષિત રાણાએ અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી કોલકત્તાને રોમાંચક જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 7 વિકેટે 208 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 204 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KKR માટે આંદ્રે રસેલની તોફાની ઈનિંગ
કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ઈનિંગની શરૂઆત ફિલિપ સોલ્ટ અને સુનીલ નરેને કરી, પરંતુ નરેન 2 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ 28 રનની અંદર શ્રેયસ અય્યર, નીતિશ રાણા અને વેંકટેશ અય્યર પણ આઉટ થઈ ગયા હતા. ટીમનો સ્કોર 51 રન પર ચાર વિકેટ હતો. રમનદીપ સિંહે 17 બોલમાં 35 રન ફટકાર્યા હતા. ત્યારબાદ આંદ્રે રસેલનું તોફાન જોવા મળ્યું હતું. આંદ્રે રસેલે 20 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. રસેલે 25 બોલમાં 3 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારતા 64 રન બનાવ્યા હતા. રિંકૂ સિંહે 15 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. 


SRH માટે ક્લાસેનની મહેનત પાણીમાં
સનરાઇઝર્સ માટે મયંક અગ્રવાલ અને અભિષેક શર્માએ ઈનિંગની શરૂઆત કરી હતી. આ જોડીએ છઠ્ઠી ઓવર પૂરી થતા પહેલા ટીમનો સ્કોર 60 પર પહોંચાડી દીધો હતો. પરંતુ મયંક આઉટ થયા બાદ ટીમ મુશ્કેલીમાં આવી હતી. મયંકે 21 બોલમાં 32 અને અભિષેક શર્માએ 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિવાઠીએ 20 તો એડન માર્કરમ 18 રન બનાવી આઉટ થયો હતો. 


સનરાઇઝર્સ તરફથી અંતિમ ઓવરોમાં હેનરિક ક્લાસેને આક્રમક બેટિંગ કરી હતી. ક્લાસેને માત્ર 25 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ક્લાસેન 29 બોલમાં 8 સિક્સ સાથે 63 રન બનાવી આઉટ થયો હતો. શાહબાઝ અહમદે 5 બોલમાં 16 રન ફટકાર્યા હતા. હૈદરાબાદની ટીમને છેલ્લા બોલે જીત માટે પાંચ રનની જરૂર હતી. પરંતુ કેપ્ટન કમિન્સ રન બનાવી શક્યો નહીં.