IPLની મોંઘેરી ડીલ: 24 કરોડી આ વિદેશી ખેલાડીએ KKRનો દાટ વાળ્યો, ત્યારે 20 લાખના ભારતીય બોલરે બચાવી લાજ
IPL 2024: આઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે.
આઈપીએલ 2024ની અડધી સફર પૂરી થઈ ચૂકી છે. આ સાથે જ ખેલાડીઓના પ્રદર્શનના રિવ્યૂ પણ થવા લાગ્યા છે. અનેક ક્રિકેટરો એવા જોવા મળી રહ્યા છે જે કરોડો રૂપિયામાં ખરીદાયા પરંતુ ટીમ માટે જાણે બોજારૂપ સાબિત થયા છે. બીજી બાજુ સાવ સસ્તામાં ખરીદાયેલા ખેલાડીઓ ટીમ માટે તારણહાર સાબિત થઈ રહ્યા છે. મોંઘા ખેલાડીઓમાં સૌથી વધુ ચર્ચા મિશેલ સ્ટાર્ક અને કેમરૂન ગ્રીનની છે. આ બંને ખેલાડીઓએ અત્યાર સુધી પોત પોતાની ટીમોને નિરાશ કર્યા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના પેસર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયાની બોલી લગાવીને ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટાર્ક આ કિંમત પર ખરો ઉતરી રહ્યો નથી. તેણે અત્યાર સુધી 7 મેચ રમી છે જેમાં 6 વિકેટ લીધી છે. એટલે કે આઈપીએલ 2024ની અડધી સફર સુધી તો તેની એક વિકેટ કોલકાતાની ટીમને 4 કરોડ રૂપિયાથી પણ વધુમાં પડી છે.
રસપ્રદ વાત એ છે કે કેકેઆરમાં જ એવા પણ ખેલાડી છે જેમને ટીમે ખુબ જ સસ્તામાં ખરીદ્યા હતા પરંતુ હવે તેઓ મેચ વિનર સાબિત થઈ રહ્યા છે. આ ખેલાડીઓમાં પહેલું નામ છે હર્ષિત રાણાનું. કેકેઆરએ હર્ષિત રાણાને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો. હર્ષિત 6 મેચમાં 9 વિકેટ લઈને દેખાડી દીધુ કે તેને ખરીદવાનું કેકેઆર માટે ફાયદાનો સોદો હતો.
સ્ટાર્કે પૂરી ઓવર પણ ન ફેંકી
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ કેકેઆરના કેપ્ટન શ્રેયસ ઐય્યરે સ્ટાર્ક કરતા તો વધુ ભરોસો હર્ષિત રાણા પર દાખવ્યો હતો. 223 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમે 15 ઓવર બાદ 6 વિકેટ પર 174 રન બનાવી લીધા હતા. તે સમયે હર્ષિત રાણા અને મિશેલ સ્ટાર્કના 2-2 ઓવર બાકી હતા. પરંતુ શ્રેયસ ઐય્યરે ફક્ત હર્ષિત પાસે તેની બાકી બે ઓવરો નખાવી હતી. સ્ટાર્કને 20મી ઓવર આપી જેમાં તેણે 21 રન બચાવવાના હતા. સ્ટાર્કે આ મેચ લગભગ ડૂબોડી દીધી હતી. તેની આ ઓવરમાં કર્ણ શર્માએ 3 છગ્ગા માર્યા હતા. પણ રાહતની વાત એ રહી હતી કે કેકેઆર એક રનથી મેચ જીતી ગયું હતું.
25 ઓવરમાં 287 રન આપ્યા
મિશેલ સ્ટાર્કે મેચમાં 3 ઓવરમાં 55 રન આપીને એક વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ 4 ઓવરના સ્પેલમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ફક્ત આ એક મેચ નહીં પરંતુ આ આખી ટુર્નામેન્ટમાં હર્ષિતનો રેકોર્ડ મિશેલ સ્ટાર્ક કરતા સારો છે. હર્ષિતે ટુર્નામેન્ટમાં કુલ 20 ઓવરની બોલિંગ કરીને 9 વિકેટ લીધી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 9.25નો રહ્યો. સ્ટાર્કે આ દરમિયાન કુલ 25 ઓવર ફેંકી અને 6 વિકેટ લીધી. ઈકોનોમી રેટ 11.48 રનનો રહ્યો. સ્ટાર્કે 25 ઓવરમાં કુલ 287 રન આપ્યા છે.
મિશેલ સ્ટાર્ક ભલે આઈપીએલ 2024નો સૌથી મોંઘો ખેલાડી હોય. પરંતુ ઓરેન્જ કેપની યાદીમાં તેનું નામ 38માં નંબરે છે. પોતાની ટીમ કેકેઆરમાં મિશેલ સ્ટાર્ક સૌથી ઓછી 6 વિકેટ લેનાર બોલર છે. હર્ષિત રાણા, આંદ્રે રસેલ (9), સુનીલ નરેન (9), વરુણ ચક્રવર્તી (8), અને વૈભવ અરોરા (7)એ મિશેલ સ્ટાર્ક કરતા વધુ વિકેટ લીધી છે.
પોઈન્ટ ટેબલ પર ત્રીજા નંબરે
મિશેલ સ્ટાર્ક માટે રાહતની વાત એ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ સુનીલ નરેન, આંદ્રે રસેલ, હર્ષિત રાણા, શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓના કારણે પોતાની મોટાભાગની મેચો જીતી રહી છે. તેણે અત્યાર સુધીમાં 7માંથી 5 મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલ પર ત્રીજા નંબરે છે. કેકેઆરના આ જબરદસ્ત પ્રદર્શનના પગલે મિશેલ સ્ટાર્કનું ખરાબ ફોર્મ છૂપાઈ ગયું છે અને તેને વાપસીની તક મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube