ભયાનક અકસ્માત બાદ ફરી ચોગ્ગા-છગ્ગા ફટકારવા તૈયાર છે આ ખતરનાક ખેલાડી
IPL 2024: આઈપીએલ 2024 ને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે સૌ કોઈની નજર ટીમ ઈન્ડિયાના એક એવા ખતરનાક ખેલાડી પર છે જે જીવલેણ અકસ્માત બાદ ફરી એકવાર મેદાનમાં આગ લગાવવા માટે આવી શકે છે.
IPL 2024, Rishabh Pant: થોડા સમય પહેલાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટ કિપર ઋષભ પંતનો ભયંકર કાર અકસ્માત થયો હતો. જેમાં માંડ માંડ તેનો જીવ બચ્યો હતો. આ અકસ્માતને કારણે આ ખતરનાક ખેલાડીને વર્લ્ડ કપ સહિતની અનેક મોટી ટુર્નામેન્ટ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, ફરી એકવાર આ ખતરનાક ખેલાડી મેદાનમાં આગ લગાવવા આવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના જબદસ્ત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આઈપીએલ 2024માં રમવાનો વિશ્વાસ છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે પણ તેના વિષયમાં મહત્ત્વનું નિવેદન આપ્યું છે. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું કે ઋષભ પંત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સિઝનમાં રમવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ તે અત્યારે વિકેટકીપિંગથી દૂર રહી શકે છે.
તમને જણાવી દઈએ કે પંત ડિસેમ્બર 2022માં એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કારણે તેણે લિગામેન્ટ સર્જરી કરાવવી પડી. પંત પણ તાજેતરના સમયમાં સખત પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. તે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતો રહે છે. રિકી પોન્ટિંગે ESPN ક્રિકઇન્ફો પર વાત કરતા કહ્યું, 'ઋષભને વિશ્વાસ છે કે તે મેચ રમવા માટે ફિટ હશે. તે ટીમમાં કઈ ક્ષમતામાં હશે તે અંગે અમને હજુ સુધી સંપૂર્ણ ખાતરી નથી. પોન્ટિંગે આગળ કહ્યું, 'તમે સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી વસ્તુઓ જોઈ હશે, તે એક્ટિવ છે અને સારી રીતે ચાલી રહ્યો છે. આઈપીએલ શરૂ થવામાં માત્ર છ અઠવાડિયા બાકી છે. આવી સ્થિતિમાં આ વર્ષે તેને વિકેટકીપિંગ કરાવવાનું અમારા માટે મુશ્કેલ બનશે.
'માત્ર થોડી મેચો રમી શકશે'
મુખ્ય કોચે કહ્યું, 'અમે માત્ર આશા રાખી શકીએ છીએ કે તે રમવા માટે ઉપલબ્ધ છે. તે ભલે બધી મેચો ન રમી શકે, પરંતુ જો તે 14 લીગ મેચમાંથી 10 પણ રમશે તો તે ટીમ માટે બોનસ સમાન હશે. જો પંત વિકેટ પાછળ તેની ભૂમિકા નિભાવવામાં સક્ષમ ન હોય તો તે બેટ્સમેન તરીકે રમી શકે છે અથવા આગામી આઈપીએલમાં તેનો 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે ઉપયોગ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર IPLની આગામી સિઝન માર્ચના અંતમાં શરૂ થઈ શકે છે.
પોન્ટિંગે કહ્યું, 'હું ગેરંટી આપું છું કે જો મેં તેને હવે રમવા વિશે પૂછ્યું તો તે કહેશે, હું દરેક મેચ રમવા માટે તૈયાર છું. હું દરેક મેચમાં રાખવા અને ચોથા નંબર પર બેટિંગ કરવા તૈયાર છું. જો કે, અમે આ મામલે વધુ રાહ જોવા માંગીએ છીએ. તે અદભૂત ખેલાડી છે. તે અમારા કેપ્ટન છે. ગયા વર્ષે અમે તેને ખૂબ મિસ કર્યો. જો તમે છેલ્લા 12-13 મહિનાની તેની સફર પર નજર નાખો તો તેણે ઘણી મહેનત કરી છે. ક્રિકેટ રમવાનું ભૂલી જાઓ, તે બચી જવા માટે પોતાને ભાગ્યશાળી માને છે.
સુકાનીપદ પર પણ આપ્યું નિવેદન-
પોન્ટિંગે કહ્યું કે જો પંત કેપ્ટનશીપ માટે ઉપલબ્ધ ન હોય તો ડેવિડ વોર્નર તેની ગેરહાજરીમાં ફરી આ જવાબદારી સંભાળશે. દિલ્હી કેપિટલ્સે છેલ્લી હરાજીમાં હેરી બ્રુકને ટીમમાં સામેલ કર્યો હતો. પોન્ટિંગે આના પર કહ્યું, 'બ્રુકના આવવાથી અમારી બેટિંગ મજબૂત થશે. અમારી પાસે વોર્નર, માર્શ અને બ્રુકના રૂપમાં શાનદાર બેટ્સમેન છે. અમારી પાસે અક્ષર પટેલ અને કુલદીપ યાદવમાં સ્પિન બોલિંગમાં સારા વિકલ્પો છે. જો એનરિચ નોર્કિયા અને જે રિચર્ડસન ફાસ્ટ બોલિંગમાં ફિટ રહેશે તો અમારી ટીમ વધુ મજબૂત બનશે. દિલ્હી કેપિટલ્સ ટીમ 2022માં પાંચમા સ્થાને હતી જ્યારે ગયા વર્ષે તે છેલ્લા સ્થાને હતી.