IPL 2024: આ શું થઈ રહ્યું છે? રોહિત શર્માની વિકેટનું સેલિબ્રેશન કરવું જીવલેણ બન્યું, વૃદ્ધને ઢોર માર મારતા થયું મોત
રોહિત શર્મા આઉટ થયો તો તેની ઉજવણી કરવી એક વૃદ્ધને ભારે પડી ગઈ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક 63 વર્ષના વૃદ્ધ ફેનની ઢોર માર મારીને હત્યા કરી નાખવામાં આવી. આ વિવાદ 27 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન થયો હતો.
રોહિત શર્મા આઉટ થયો તો તેની ઉજવણી કરવી એક વૃદ્ધને ભારે પડી ગઈ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક 63 વર્ષના વૃદ્ધ ફેનની ઢોર માર મારીને હત્યા કરી નાખવામાં આવી. આ વિવાદ 27 માર્ચના રોજ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન થયો હતો. મૃતક વ્યક્તિનું નામ બંદોપંત તિબિલે હોવાનું કહેવાય છે. જે ખેડૂત હતા. બંદોપંત તિબિલેને એટલી નિર્દયતાથી માર મારવામાં આવ્યો કે તેમણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો.
રોહિત શર્માની વિકેટની ઉજવણી જીવલેણ બની
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના કોલ્હાપુરની કરવીલ તહસીલના હનમંતવાડી ગામમાં 63 વર્ષના ખેડૂત બંદોપંત તિબિલે અને 50 વર્ષના બલવંત ઝાંજગે 27 માર્ચના રોજ પોતાના કોઈ અન્ય મિત્રના ઘરે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદની આઈપીએલ મેચ જોઈ રહ્યા હતા. મેચ દરમિયાન જેવી રોહિત શર્માની વિકેટ પડી કે ખેડૂત બંદોપંત તિબિલેએ ઉજવણી કરવાની શરૂ કરી દીધું. મળતી માહિતી મુજબ બંદોપંત તિબિલેએ રોહિત શર્માની વિકેટની ઉજવણી વખતે કઈક એવું કહ્યું કે જેનાથી 50 વર્ષના બલવંત ઝાંજગે કાળઝાળ થઈ ગયા.
વૃદ્ધની હત્યા
રોહિત શર્મા વિરુદ્ધ કરાયેલી ટિપ્પણીથી બલવંત ઝાંજગે એટલા ગુસ્સે ભરાયા કે તેમણે પિત્તો ગુમાવી દીધો. ત્યારબાદ પોતાના સંબંધીને લઈને આવ્યા અને ખેડૂત બંદોપંત તિબિલેની ખુબ પિટાઈ કરી. આ સંબંધી બલવંત ઝાંજગેનો ભત્રીજો સાગર હોવાનું કહેવાય છે. તિબિલેને ત્યારેબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે જણાવ્યું કે આ મારપીટમાં ઘાયલ થયા બાદ શનિવારે બંદોપંત તિબિલે દમ તોડ્યો.
હત્યો ગુનો નોંધાયો
આરોપી બલવંત ઝાંજગે અને તેમના ભત્રીજા સાગરની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી કાકા અને ભત્રીજા વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ હત્યાનો કેસ નોંધાયો છે. આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 31 રનથી હારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના 278 રનના વિશાળ લક્ષ્યાંકના જવાબમાં મુંબઈની ટીમ 5 વિકેટે 246 રન જ કરી શકી. આઈપીએલ 2024 સીઝનની શરૂઆતની બંને મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં તણાવનો માહોલ છે. ઉપરથી રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનું પણ મુંબઈની ટીમ મેનેજમેન્ટ માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.