સચિન સહિત 19 સપોર્ટિંગ સ્ટાફની સેના છતાં IPL માં મુંબઈની ટીમે કેમ વાળ્યો ભગો? કેમ રોહિત પર ફૂટ્યું હારનું ઠીકરું?
આઈપીએલ-2022ની સિઝન ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સપના સમાન સાબિત થઈ રહી છે. કેમ કે તમામ 8 મેચ હારીને લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ સચિન તેંડુલકર- ઝહીર ખાન સહિત 18 લોકોનો સપોર્ટિંગ સ્ટાફ છે. તેમ છતાં ટીમને એક વિજય મેળવવામાં પણ ફાંફા પડી રહ્યા છે.
મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમની ચર્ચા થાય તો એક જ નામ સામે આવે અને તે છે મુંબઈ ઈન્ડિયન્સ. પરંતુ કહેવાય છે કે દરેક વ્યક્તિનો દરેક દિવસ સરખો હોતો નથી. આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સ સાથે થઈ રહ્યું છે. કેમ કે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી રમેલી તમામ 8 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે તેનું કોઈપણ સિઝનનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
મુંબઈ આ સિઝનમાંથી બહાર થવાના આરે પહોંચી ગયું છે. ટીમ ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. તો કેપ્ટન રોહિત શર્મા બધાના નિશાના પર આવી ગયો છે. રોહિત શર્માની આગેવાનીમાં જ ટીમે પાંચ વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું છે. એવામાં હવે સતત આઠ મેચ હારવી એ દરેક માટે આશ્વર્ય પમાડનારું છે. રોહિત શર્મા પર ખરાબ કેપ્ટનશીપ, ખરાબ બેટિંગનો આરોપ લાગી રહ્યો છે. પરંતુ જો મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો લીડરશીપ ગ્રૂપમાં એકલો રોહિત શર્મા જ નથી. પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફમાં દિગ્ગજોની સેના છે.
કોણ-કોણ છે સપોર્ટ સ્ટાફમાં:
1. સચિન તેંડુલકર - આઈકોન
2. માહેલા જયવર્ધને - હેડ કોચ
3. ઝહીર ખાન - ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સ
4. શેન બોન્ડ - બોલિંગ કોચ
5. રોબિન સિંહ - બેટિંગ કોચ
6. જેમ્સ પેમેન્ટ - ફીલ્ડિંગ કોચ
7. પોલ ચેપમેન - સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ
8. ક્રેગ ગોવેન્ડર - હેડ થેરેપિસ્ટ
9. સીકેએમ ધનંજય - ડેટા પરફોર્મન્સ મેનેજર
10. રાહુલ સંઘવી - ટીમ મેનેજર
11. અમિત શાહ - સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટ
12. એલ.વરૂણ - વીડિયો એનાલિસ્ટ
13. આશુતોષ નિમસે - આસિસ્ટન્ટ થેરેપિસ્ટ
14. પ્રતીક કદમ - આસિસ્ટન્ટ સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ
15. નાગેન્દ્ર પ્રસાદ - આસિસ્ટન્ટ સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ
16. વિજયા કુશવાહા - આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટ
17. મયૂર સત્પુતે - આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ મસાજ થેરેપિસ્ટ
18. કિનિતા કદાકિયા પટેલ - ન્યૂટ્રિનિસ્ટ
એવામાં હારનું ઠીકરું માત્ર રોહિત શર્મા પર જ ફોડવું યોગ્ય નથી. ટીમમાં અલગ-અલગ વસ્તુઓ ફોકસ કરવા માટે દરેક પ્રકારના લોકોને રાખવામાં આવ્યા છે. અનેકવાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ જગ્યાએ અનેક દિમાગ ભેગા થાય તો વસ્તુ હાંસલ કરવામાં ગરબડ ઉભી થાય છે. આવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સ સાથે થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
મુંબઈ ઈન્ડિયન્સની હારના મોટા કારણો:
1. મેગા ઓક્શન પછી ટીમનું બેલેન્સ બગડી ગયું
2. નવું કોર ગ્રૂપ બનાવવાનો મોટો પડકાર
3. ઓક્શનમાં જોફ્રા આર્ચર પર 8 કરોડ રૂપિયાનો ખર્ચ છતાં તે આ સિઝનમાં રમ્યો નહીં
4. ઈશાન કિશન પર 15.25 કરોડનો ખર્ચ, શરૂઆતની બે ઈનિંગ્સ પછી બેટ શાંત
5. કેપ્ટન રોહિત શર્માના ફોર્મે ચિંતા વધારી
6. બોલિંગમાં જસપ્રીત બુમરાહ સિવાય કોઈ સારો બોલર નહીં
મુંબઈ ઈન્ડિયન્સનું શું થશે:
એકસમયે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે મેદાનમાં ઉતરતી ત્યારે એવું કહેવાતું કે મુંબઈનો વિજય નક્કી જ છે. પહેલા બેટિંગ હોય કે પછી બોલિંગ. રોહિત શર્મા-ક્વિન્ટન ડીકોક ઓપનિંગ કરતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ વનડાઉનમાં આવતો. જેના પછી ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા બેટિંગમાં આવતા. એટલે નંબર સાત સુધી બેટિંગ ઓર્ડર રહેતો. જેના કારણે મુંબઈની એક બેટ્સમેન ન ચાલે તો બીજો ચાલે અને બીજો ન ચાલે તો ત્રીજો ચાલે. જોકે મેગા ઓક્શન પછી આખી ટીમ વિખેરાઈ ગઈ. ટીમમાં માત્ર રોહિત શર્મા, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ અને સૂર્યકુમાર યાદવ રહ્યા. પરંતુ ટીમમાં હવે પહેલા જેવી સાતત્યતા નથી. જેના કારણે તમામ 8 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
કઈ-કઈ ટીમ સામે પરાજય:
1. દિલ્લી કેપિટલ્સે 4 વિકેટે પરાજય આપ્યો
2. રાજસ્થાન રોયલ્સે 23 રનથી હરાવ્યું
3. કોલકાતા નાઈટ રાઈડર્સે 5 વિકેટે હાર આપી
4. રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુએ 7 વિકેટે હરાવ્યું
5. પંજાબ કિંગ્સે 12 રનથી પરાજય આપ્યો
6. લખનઉ સુપર જાયન્ટ્સે 18 રનથી હરાવ્યું
7. ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટથી હાર આપી
8. લખનઉ સુપર જાયન્ટ્સે 36 રનથી હરાવ્યું