IPL FINAL: આઈપીએલ ટ્રોફી માટે બે વિશ્વ વિજેતા કેપ્ટનો વચ્ચે ટક્કર, ધોની-મોર્ગન આમને-સામને
IPL 2021 Final: દશેરાના દિવસે ક્રિકેટપ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળશે. આઈપીએલ ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈમાં મુકાબલો થવાનો છે. એમએસ ધોની અને ઇયોન મોર્ગનની ટીમ આમને-સામને હશે.
દુબઈઃ મહેન્દ્ર સિંહ ધોનીની જાદૂઈ કેપ્ટનશિપ ચેન્નઈ સુપર કિંગ્સનું રક્ષા કવચ સાબિત થશે જ્યારે શુક્રવારે આઇપીએલ ફાઇનલમાં તેનો સામનો સ્પિન ત્રિપુટીના દમ પર ફાઇનલમાં પહોંચેલી કોલકત્તા નાઇટરાઇડર્સ સામે થશે. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને દશેરાના દિવસે 'કેપ્ટન' કૂલની આક્રમક ઈનિંગનો ઇંતજાર રહેશે જે પીળી જર્સીમાં લગભગ છેલ્લીવાર જોવા મળે.
કોણ કોના પર ભારે
આંકડાની વાત કરીએ તો ચેન્નઈ 12 સીઝનમાં નવ વખત ફાઇનલમાં પહોંચી છે, જે બે સીઝન માટે બહાર હતી. ચેન્નઈ ત્રણ ટાઇટલ જીતી ચુકી છે અને પાંચ વખત ફાઇનલમાં હારી જ્યારે કેકેઆરે બંને ટાઇટલ ગૌતમ ગંભીરની આગેવાનીમાં જીત્યા છે. ફાઇનલ સુધી પહોંચવાની કળા ચેન્નઈથી વધુ સારી કોઈ ટીમ જાણતી નથી. બીજીતરફ કેકેઆરે છેલ્લે 2014માં ટાઇટલ જીત્યું હતું જ્યારે બે બોલ બાકી રહેતા 190 રનના લક્ષ્યને હાસિલ કર્યો હતો.
સ્પિન ત્રિપુટી કેકેઆરની મજબૂતી
ચેન્નઈ માટે ચોથુ ટાઇટલ જીતવાની સંભાવના તે વાત પર નિર્ભર કરે છે કે તે કેકેઆરની સ્પિન ત્રિપુટી વરૂણ ચક્રવર્તી, શાકિબ-અલ-હસન અને સુનીલ નારાયણનો સામનો કઈ રીતે કરે છે. ત્રણેયે ટૂર્નામેન્ટમાં સાતથી ઓછી એવરેજથી પ્રતિ ઓવર રન આપ્યા છે. આંદ્રે રસેલ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે બહાર થવાથી શાકિબના ઓલરાઉન્ડર પ્રદર્શને કેકેઆરને સંતુલન આપ્યું છે. આમ તો ફાઇનલમાં દબાવ હોય છે અને સામે ધોની જેવો કેપ્ટન હોય તો આ ત્રણેય માટે પોતાનું પ્રદર્શન જાળવી રાખવું સરળ રહેશે નહીં.
અનુભવથી ભરેલી છે ચેન્નઈ સુપરકિંગ્સ
ધોનીનો સરળ મંત્ર છે કે અનુભવ પર વિશ્વાસ કરો, તેણે રુતુરાજ ગાયકવાડનું માર્ગદર્શન કર્યુ જ્યારે 2020માં ક્વોલિફિકેશનનો દબાવ તેના પર નહતો. રુતુરાજ આ સત્રમાં ત્રણ અડધી સદી અને એક સદીની મદદથી 600થી વધુ રન બનાવી ચુક્યો છે. ધોનીએ પોતાની નેતૃત્વ ક્ષમતાથી આગામી વર્ષો સુધી ટીમનો પાયો મજબૂત કરી દીધો છે. રુતુરાજ જો ચેન્નઈનો આગામી કેપ્ટન બને તો તે ચોંકાવનારી વાત નહીં હોય કારણ કે ધોની આગામી વર્ષે કે ત્યારબાદ આઈપીએલને અલવિદા કહેવાની જાહેરાત કરી શકે છે.
મોટાભાગના ખેલાડી 35ને પાર
આઈપીએલને ધોનીથી સારી રીતે કોઈ સમજી શક્યું નથી. આજ કારણ છે કે તેની ટીમ સતત સારૂ પ્રદર્શન કરતી રહી છે. પાછલા વર્ષે લીગ રાઉન્ડમાં બહાર થયા બાદ ચેન્નઈએ શાનદાર વાપસી કરી આ વખતે ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. ચેન્નઈની પાસે અનુભવની કમી નથી. ધોની 40 પાર કરી ચુક્યો છે જ્યારે ડ્વેન બ્રાવો 38, ફાફ ડુ પ્લેસિસ 37, અંબાતી રાયડૂ અને રોબિન ઉથપ્પા 36 વર્ષના છે. મોઇન અલી અને રવિન્દ્ર જાડેજા પણ 30 પાર છે.
રૈનાને મળશે અંતિમ ઇલેવનમાં તક?
તોનાના સંસાધનોનો યોગ્ય પ્રયોગ કરવાની કલામાં ધોનીને મહારત હાસિલ છે. આ સત્રમાં બધાએ જોયુ કે ધોનીના પસંદગીના અને આઈપીએલ સ્ટાર રૈનાએ પણ બહાર બેસવુ પડ્યુ. વધારેલા વજન અને ખરાબ ફોર્મમાં રહેલા રૈનાની જગ્યા ઉથપ્પાએ લીધી અને દિલ્હી વિરુદ્ધ ટીમની જીતનો સૂત્રધાર રહ્યો. બીજીતરફ કેકેઆરની પાસે વિશ્વ વિજેતા કેપ્ટન છે, જેણે સીમિત ઓવરોના ક્રિકેટમાં ઈંગ્લેન્ડ ટીમની કાયાપલટ કરી છે.
ખરાબ ફોર્મમાં છે મોર્ગન
અનેક લોકોનું માનવું છે કે મોર્ગનની જગ્યાએ રસેલને ટીમની કમાન સોંપવી જોઈએ, પરંતુ મોર્ગન પર ટીમ મેનેજમેન્ટે વિશ્વાસ કર્યો છે. તો ગિલે પણ ખરાબ ફોર્મ બાદ શાનદાર વાપસી કરતા ટીમને સારી શરૂઆત અપાવી છે. વેંકટેશ અય્યર પર કરવામાં આવેલા વિશ્વાસથી ટીમને ફાયદો મળ્યો છે. મોર્ગન પણ ધોનીની જેમ લાગણી વ્યક્ત કરતો નથી જેથી બંને કેપ્ટનોની ક્રિકેટની સમજનો આ મુકાબલો હશે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, શાકિબ-અલ-હસન/આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરૂણ ચક્રવર્તી.
ચેન્નઈ સુપર કિંગ્સઃ ફાફ ડુ પ્લેસિસ, રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દિપક ચાહર, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube