IPL Auction 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)એ નવેમ્બરમાં થનારી મેગા ઓક્શન પહેલા જ મોટા નિર્ણય લીધા છે અને રિટેન્શન અંગે પણ નિયમ જાહેર કર્યો છે. હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝી પોતાની હાલની ટીમમાંથી કુલ 6 ખેલાડીઓને રિટેન કરી શકે છે. આ કા તો રિટેન્શન દ્વારા કે પછી રાઈટ ટુ મેચ (RTM) વિકલ્પનો ઉપયોગ કરીને કરી શકાય છે. 6 રિટેન્શન/RTM માં વધુમાં વધુ 5 કેપ્ડ  ખેલાડી (ભારતીય અને વિદેશી) તથા મહત્તમ 2 અનકેપ્ડ ખેલાડી હોઈ શકે છે. જ્યારે આઈપીએલ 2025 માટે ફ્રેન્ચાઈઝી માટે ઓક્શનની રકમ 120 કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. આઈપીએલ  ફ્રેન્ચાઈઝીએ 31 ઓક્ટોબર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સોંપવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધવચ્ચે નહીં જઈ શકે વિદેશી ખેલાડી
આ બધા વચ્ચે આઈપીએલ  ગવર્નિંગ કાઉન્સિલે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેણે વિદેશી ખેલાડીઓના હોશ ઉડાવી દીધા છે. આઈપીએલએ ઓક્શનમાં ખરીદાયા બાદ સીઝનથી ગાયબ થનારા વિદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. તેમને ફક્ત મેડિકલ સ્થિતિમાં જ લીગ છોડવાની મંજૂરી મળશે. આઈપીએલમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે પ્લેયર ટુર્નામેન્ટ વચ્ચે કે પછી તે પહેલા નીકળી જાય છે. 


રજિસ્ટ્રેશન અંગે પણ નિયમ
કોઈ પણ વિદેશી ખેલાડીએ મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો વિદેશી ખેલાડી મેગા ઓક્શન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવે તો તે આગામી વર્ષની આઈપીએલ હરાજીમાં રજિસ્ટ્રેશન માટે અયોગ્ય ગણાશે. તેનાથી વિદેશી ખેલાડીઓ મિની ઓક્શન દરમિયાન મોટી રકમ કમાઈ શકશે નહીં. મિની ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ પોતાની ટીમમાં કોઈ પણ સંભવિત કમીઓને દૂર કરવા માટે ખુબ વધુ પ્રમાણમાં પૈસા ખર્ચે છે. આઈપીએલ 2024 ઓક્શન દરમિયાન જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં અને સનરાઈઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું હતું. 


જેસન રોયે નામ પાછું ખેચ્યું હતું
ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે અંગત કારણોસર આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચ્યુ હતું. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને ગત સીઝનમાં 2.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2024 સીઝન પહેલા હરાજીમાં સૌથી મોંઘા રહેલા ખેલાડી મિચેલ સ્ટાર્કે પણ આઈપીએલ 2018માં પોતાનું નામ પાછું ખેંચ્યુ હતું. જો કે તે ઈજાના કારણે થયું હતું. આવા બનાવો બાદ ફ્રેન્ચાઈઝીએ કડક નિયમની માંગણી કરી હતી. હવે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે આ અંગે નવા નિયમ પર મહોર લગાવી છે.