નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વુમેન્સ આઈપીએલ 2019 માટે મંજૂરી આપી દીધી છે. બીસીસીઆઈએ ત્રણ ટીમો વચ્ચે યોજાનારી વુમેન્સ ટી20 ચેલેન્જ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે બોર્ડે તેનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. વુમેન્સ આઈપીએલ 2019માં ફાઇનલ સહિત કુલ ચાર મેચ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની ટોપની મહિલા ક્રિકેટર સિવાય અન્ય દેશોની મહિલા ક્રિકેટર પણ આ લીગમાં રમશે. ભારતમાં ચાર મેચોની લીગ 6 મેથી શરૂ થઈને 11 મે સુધી ચાલશે. વુમેન્સ આઈપીએલના તમામ મેચો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. વુમેન્સ ટી20 લીગની ફાઇનલ આઈપીએલ 2019ના ફાઇનલ (હૈદરાબાદમાં)થી એક દિવસ પહેલા એટલે કે 11 મેએ જયપુરમાં રમાશે. 


વુમેન્સ આઈપીએલ 2019માં ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. તેમાં સુપરનોવાસ (Supernovas), ટ્રેલબ્લેજર્સ (Trailblazers) અને વેલોસિટી (Velocity)નું નામ સામેલ છે. આ ત્રણેય ટીમો રાઉન્ડ-રોબિન પ્રમાણે લીગમાં રમશે. જે બે ટોપ ટીમો હશે તે 11 મેએ ફાઇનલમાં આમને-સામને હશે. 


તમને જણાવી દઈએ કે, આ ટી20 ચેલેન્જની એક મેચ પ્રદર્શની તરીકે ગત વર્ષે મુંબઈમાં રમાયો હતો. આ મેચમાં ટ્રેલબ્લેજર્સની આગેવાની સ્મૃતિ મંધાના અને સુપરનોવાજની આગેવાની હરમનપ્રીત કૌરે કરી હતી. આ મેચને સુપરનોવાજે ત્રણ વિકેટથી જીત્યો હતો. આ વખતે પણ આ બંન્નેની પાસે પોત-પોતાની ટીમની કમાન છે, જ્યારે મિતાલી રાજ વેલોસિટીનું સુકાન સંભાળશે. 


ગત વર્ષે એકમાત્ર ટી20 ચેલેન્જ મેચ માટે વિશ્વભરની મહિલા ખેલાડીઓ ભારત આવી હતી. જેમાં એલિસ પૈરી, સોફી ડિવાઇન, મૈગ લેનિંગ, સૂઝી બેટ્સ અને એલીસા હેલે નામ સામેલ છે. બીસીસીઆઈએ હજુ તે વાતની ખાતરી કરી નથી કે કઈ ખેલાડી કઈ ટીમમાં હશે? બીસીસીઆઈએ તેના બ્રોડકાસ્ટિંગ રાઇટ્સ સ્ટાર સ્પોર્ટસને આપી દીધા છે. 


Women's T20 challenge 2019 (Women IPL 2019 ) કાર્યક્રમ


6 મે સુપરનોવાજ વિરુદ્ધ ટ્રેલબ્લેજર્સ


8 મે ટ્રેલબ્લેજર્સ વિરુદ્ધ વેલોસિટી


9 મે વેલોસિટી વિરુદ્ધ સુપરનોવાજ 


11 મે ફાઇનલ


તમામ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે.