ઇરફાન પઠાણ સહિત ઘણા ક્રિકેટરોને કાશ્મીર ઘાટી છોડવાનો આદેશ
આ પહેલા સેનાએ એક આદેશ જાહેર કરીને પર્યટકો અને અમરનાથ યાત્રિકોને ઘાટી છોડવાનું કહ્યું હતું.
નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા પર્યટકો બાદ હવે ક્રિકેટરોને પણ કાશ્મીર ઘાટી છોડવાનું કહેવામાં આવ્યું છે. જમ્મૂ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (જેકેસીએ)એ જમ્મૂ કાશ્મીર ક્રિકેટ ટીમના મેન્ટોર અને પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ સહિત ઘણા ક્રિકેટરોને કાશ્મીર છોડવાનું કહ્યું છે. આ પહેલા સેનાએ એક આદેશ જારી કરીને પર્યટકો અને અમરનાથ યાત્રિકોને ઘાટી છોડવાનું કહ્યું હતું.
જેકેસીએના એક સીનિયર અધિકારીએ તેને સમર્થન કરતા કહ્યું કે, આમ સુરક્ષાના કારણે કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું, 'અમે ઇરફાન અને અન્ય સહયોગી સ્ટાફની દેખરેખમાં પ્રી-સિઝન ટ્રેનિંગ કરી રહ્યાં હતા. આ મેચ ઘરેલૂ સત્ર માટે ટીમમં ખેલાડીઓની પસંદગીમાં મદદ કરશે. પરંતુ શનિવારે તે નિર્ણય કરવામાં આવ્યો કે, કાશ્મીર (આ જગ્યા) છોડી દેવી જોઈએ અને સુરક્ષાની સ્થિતિ યોગ્ય થયા બાદ પરત ફરવું જોઈએ.'
મહત્વનું છે કે, આતંકી હુમલાના ખતરાને જોતા જમ્મૂ-કાશ્મીરમાં ચાલી રહેલી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં આશરે એક સપ્તાહ પહેલા સુરક્ષાદળોની વધારાની 100 કંપનીઓની તૈનાતીનો આદેશ આપવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર જમ્મૂ કાશ્મીરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
પરંતુ ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, આંતરિક સુરક્ષા સ્થિતિ, ટ્રેનિંગ સંબંધી જરૂરીયાતો, અર્ધસૈનિક દળોની તૈનાતીમાં ફેરફાર તેનો આરામ અને સ્વાસ્થ્યનો લાભ આપવા, કેન્દ્રીય દળોને તૈનાત કરવા અને તેને હટાવવા આ નિયમિત પ્રક્રિયાઓ છે.