India vs Srilanka First ODI Preview: ભારતીય ક્રિકેટ ટીમ એકદિવસીય વિશ્વકપ માટે હવે સજ્જ છે. ટીમ વર્લ્ડ કપ જીતવાના સપના સાથે આગળ વધી રહી છે. ટીમમાં લગભગ અમુક ખેલાડીઓનું સ્થાન પણ નક્કી માનવામાં આવે છે. એમાં એક ખેલાડીના નામને લઈને ખાસ ચર્ચા થઈ રહી છે. એ નામ છે ડબલ સેન્ચુરીયન ઈશાન કિશનનું. શું ઈશાન કિશનને પસંદગીકારો મોકો આપશે ખરાં એ એક મોટો સવાલ છે. ટીમ ઈન્ડિયા આજે શ્રીલંકા સામે વર્ષની પ્રથમ વનડે રમશે. ગુવાહાટીમાં બપોરે 1:30 વાગ્યે શરૂ થનારી આ મેચ સાથે જ ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ તૈયારીઓની પણ શરૂઆત થઈ જશે. ODI વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે. આ કારણે ટૂર્નામેન્ટની શરૂઆતથી લઈને દેશમાં યોજાનારી દરેક વનડે મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુકાની રોહિત શર્માથી લઈને અનુભવી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા આ શ્રેણીમાં રમશે અને અહીંથી ભારતનો ફોકસ વનડે ફોર્મેટ પર જ રહેશે. અગાઉ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ પણ આ શ્રેણીમાં સામેલ હતું પરંતુ હવે તેને વધુ આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 162 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 93 જીતી છે, 57 ગુમાવી છે, 1 મેચ ટાઈ થઈ છે અને 11માં રિઝલ્ટ નથી આવ્યું.


ડબલ સેન્ચુરીયન ઈશાન કિશનને નહીં મળે મોકોઃ
કેપ્ટન રોહિત શર્માએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું કે શુભમન ગિલ તેની સાથે ઓપનિંગ કરશે. એટલે કે બાંગ્લાદેશ પ્રવાસ પર ODI ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર ઈશાન કિશન (Ishan Kishan) નહીં રમે. રોહિતે કહ્યું કે ઈશાનને બહાર રાખવો એ અઘરો નિર્ણય છે પરંતુ તે અત્યારે ગિલને વધુ તક આપવા માગે છે. એટલું જ નહીં આ મેચમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયરમાંથી કોઈ એકને બહાર બેસવું પડી શકે છે. ઈશાન કિશનની ગેરહાજરીને કારણે કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે તે નિશ્ચિત છે. તેથી જ સૂર્યા અને ઐયરમાંથી એક જ પ્લેઇંગ-11માં જગ્યા બનાવી શકશે.


 



 


પિચ રિપોર્ટ-
ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ પસંદ કરી શકે છે. કારણ કે, ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં પીછો કરતી ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. આ મેદાન પર બે વનડે રમાઈ ચૂકી છે. એક મેન્સની અને એક વુમન્સની, બંને કેસમાં ચેઝ કરનાર ટીમ જ જીતી છે.


સંભવિત પ્લેઈંગ ઈલેવન-
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ/કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક/અર્શદીપ સિંહ.


શ્રીલંકા: દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, ધનંજય ડી સિલ્વા, ચારિથ અસલંકા, વનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહિષ થિક્ષાના, કસુન રાજીથા અને દિલશાન મદુશંકા/લહિરુ કુમારા.