કેન્ડીઃ India vs Pakistan Asia Cup 2023: એશિયા કપ-2023ની ત્રીજી મેચમાં ભારત-પાકિસ્તાનનો આમનો-સામનો થઈ રહ્યો છે. આ મેચ કેન્ડીના પલ્લેકલ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. એક સમયે ભારતીય ટીમે 66 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ યુવા બેટર ઈશાન કિશને દમદાર ઈનિંગ રમીને ટીમની વાપસી કરાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈશાન કિશનની જોરદાર ઈનિંગ
ઈશાન કિશન જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 48 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ટીમની ઈનિંગ સંભાળતા ઈશાન કિશને 54 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ઈશાન કિશન 81 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સ સાથે 82 રન બનાવી આઉટ થયો હતો. તેણે હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. આ વનડે ક્રિકેટમાં ઈશાન કિશનની સતત ચોથી અડધી સદી હતી. તેણે આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચમાં ત્રણ અડધી સદી ફટકારી હતી. 


ધોની બાદ આ કારનામુ કરનાર બીજો વિકેટકીપર
ઈશાન કિશન એમએસ ધોની બાદ વનડેમાં સતત 4 અડધી સદી ફટકારનાર વિકેટકીપર બની ગયો છે. એમએસ ધોનીએ વર્ષ 2011માં ઈંગ્લેન્ડ સામે સતત ચાર અડધી સદી ફટકારી હતી. નોંધનીય છે કે આ પ્રથમવાર છે જ્યારે ઈશાન કિશનને વનડેમાં પાંચમાં ક્રમે બેટિંગ કરવાની તક મળી. આ પહેલા તે નંબર એક, બે અથવા ત્રણ પર બેટિંગ કરી ચુક્યો છે. તેને કેએલ રાહુલના સ્થાનને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. 


ઈશાન કિશને ધોનીને પછાડ્યો
ટીમ ઈન્ડિયા આ મેચની શરૂઆતમાં પરેશાન જોવા મળી રહી હતી, પરંતુ ઈશાન કિશને હાર્દિક સાથે ભાગીદારી કરી ટીમની વાપસી કરાવી હતી. ઈશાન કિશન એશિયા કપની એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર પણ બની ગયો છે. આ પહેલા એમએસ ધોનીએ એશિયા કપમાં 76 રનની ઈનિંગ રમી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube