WTC Final માં સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવા માટે આ સીનિયર ખેલાડીની લેવાશે બલિ!
18 જૂનથી રમાનાર આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોની પસંદગીમાં.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલા માટે ઈંગ્લેન્ડ પહોંચી ચુકી છે અને ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 18 જૂનથી રમાનાર આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની શકે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરોની પસંદગીમાં. ટીમ ઈન્ડિયાની ત્રિપુટી એટલે કે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા રમવા માટે તૈયાર છે. પરંતુ મોહમ્મદ સિરાજે હાલમાં જે પ્રકારે પ્રદર્શન કર્યુ છે તેવામાં તેને નજરઅંદાજ કરી શકાય નહીં.
મોહમ્મદ સિરાજે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટેસ્ટ સિરીઝમાં કમાલનું પ્રદર્શન કરતા સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમ કોઈપણ પ્રકારે સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં ફિટ કરવા ઈચ્છે છે. આમ તો ઇશાંત, બુમરાહ અને શમીને ત્રિપુટીએ ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હવે માનવામાં આવી રહ્યુ છે કે મોહમ્મદ સિરાજ પ્રેક્ટિસ દરમિયાન પ્રભાવિત કરે છે તો ઈશાંત શર્માને બહાર બેસાડવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ WTC ફાઇનલ પહેલા ICC હોલ ઓફ ફેમમાં સામેલ થશે 5 યુગોના 10 દિગ્ગજ
તો ઈશાંત શર્માએ ઈજા બાદ ઈંગ્લેન્ડ સામે ઘરેલુ સિરીઝમાં વાપસી કરી હતી. તેણે ચાર મેચોમાં માત્ર 6 વિકેટ ઝડપી હતી. એક રિપોર્ટ પ્રમાણે સાઉથમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો વિરુદ્ધ ઈશાંત શર્માની ઉચ્ચ ગતિ પર લાંબો સ્પેલ બોલિંગ કરવા અને નિયમિત બાઉન્સર ફેંકવાની ક્ષમતા પર શંકા છે. તો સિરાજ સારા બાઉન્સર ફેંકી શકે છે. જ્યારે ટીમ ઈન્ડિયા એક સાથે અભ્યાસ શરૂ કરશે ત્યારે સિરાજ અંતિમ ઇલેવનમાં જગ્યા બનાવવા માટે ઓડિશન આપશે. ઇશાંત શર્મા ફાસ્ટ બોલિંગ કરી શકે છે પરંતુ નિયમિત બાઉન્સર ફેંકવા આ 33 વર્ષીય બોલર માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube