ચાંગવોનઃ આઈએસએસએફ વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય શૂટરોએ જૂનિયર વર્ગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતના જોડિયા ભાઈઓની જોડી ઉદયવીર સિદ્ધુ અને રાજકંવર સિંહ સિદ્ધુએ સાથે મળીને જુનિયર 25 મીટર પિસ્ટલ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઉપરાંત ઉદયવીર સિદ્ધુએ જુનિયર પુરુષ 25મી. પિસ્ટલ સ્પર્ધામાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16 વર્ષના ઉદયવીરે વ્યક્તિગત વર્ગમાં 587 (પ્રીસીઝનમાં 291 અને રેપિડમાં 296)નો સ્કોર બનાવીને અમેરિકાના હેનરી લેવરેટ (584) અને કોરિયાના લી. જેઈક્યુન (582)ને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


ભારતનો જ વિજયવીર સિદ્ધુ 582 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યો હતો. રાજકંવર સિંહ સિદ્ધુએ 568 પોઈન્ટ સાથે 20મું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ત્રિપુટીએ 1736 પોઈન્ટ સાથે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીને 1730 પોઈન્ટ સાથે સિલ્વર અને કોરિયાએ 1721 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 



સ્કીટમાં 16મા સ્થાને છે ભારતીય ટીમ
સીનિયર સ્પર્ધામાં શીરાઝ શેખ પુરુષ સ્કીટ ક્વોલિફિકેશનના પ્રથમ દિવસ બાદ 49 પોઈન્ટ સાથે 8મા સ્થાને ચાલી રહ્યો છે. અંગદ વીર સિંહ 47ના સ્કોર સાથે 69મા, મેરાજ અહેમદ 41ના સ્કોર સાથે 79મા સ્થાને છે. ભારતીય ટીમ 137 પોઈન્ટ સાથે 16મા સ્થાને ચાલી રહી છે. 


24 મેડલ સાથે મેડલ ટેલીમાં 4થા સ્થાને ભારત
ભારતીય ટીમ 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ મળીને કુલ 24 મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય નિશાનેબાજ ખેલ મહાસંગની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતનું વર્તમાન પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે. ભારત ટોકિયો 2020ની આ પ્રથમ ક્વોલિફાઈંગ સ્પર્ધામાં બે ઈવેન્ટમાં સ્થાન પણ મેળવી ચૂક્યું છે.