શૂટિંગ વિશ્વકપઃ મનુ અને હીનાએ કર્યા નિરાશ, ક્વોલિફિકેશનમાંથી બહાર
ભારતના સ્ટાર નિશાનબાજ હીના સિદ્ધૂ અને મનુ ભાકર 10 મીટર એર પિસ્તોલની ફાઇનલમાં ક્વોલિફાઇ ન કરી શકી.
નવી દિલ્હીઃ ભારતીય શૂટર મનુ ભાકર અને હીના સિદ્ધૂ આશાને અનુરૂપ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી અને આઈએસએસએફ વિશ્વકપમાં મંગળવારે અહીં મહિલાઓની દસ મીટર એર પિસ્તોલમાં ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શકી.
ડો. કર્ણી સિંહ શૂટિંગ રેન્જમાં ચાલી રહેલી સ્પર્ધામાં ગાયત્રી નિત્યાનદમ અને સુનિધિ ચૌહાણ પણ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન માટે ક્વોલિફાઇ કરવામાં અસફળ રહી. આશા કરવામાં આવી રહી હતી કે 17 વર્ષની ભાકર 25 મીટર પિસ્તોલ ફાઇનલની નિરાશાને ભુલાવીને સારૂ પ્રદર્શન કરશે પરંતુ તેમણે વધુ નિરાશ કર્યા તથા ક્વોલિફિકેશનમાં 573ના સ્કોરની સાથે 14માં સ્થાન પર રહી હતી.
અનુભવી હીના સિદ્ધૂ પણ આશા પર ખરી ન ઉતરી અને 571નો સ્કોર બનાવીને 25માં સ્થાન પર રહી હતી. પ્રથમ વખત વિશ્વકપમાં ભાગ લઈ રહેલી અનુરાધાએ પણ 571 પોઈન્ટ બનાવ્યા અને તે 22માં સ્થાન પર રહી હતી.
હંગરીની વેરોનિકા મેજર (245.1)એ દસ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો જ્યારે તાઇપૈની ચિયા યિંગ વુએ સિલ્વર (268.4) અને કોરિયાની બોમી કિમ (218.3)એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
દિવસની અન્ય સ્પર્ધામાં મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારતની નિત્યાનદમે 1163નો સ્કોર બનાવ્યો અને તે 36માં સ્થાન પર રહી હતી. ચૌહાણ 1156નો સ્કોર બનાવી શકી અને તેણે 49માં સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો.
સ્વિટ્ઝર્લેન્ડની નિના ક્રિસ્ટિયને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ચીનની શી મેંગયાવોને હરાવી હતી. કઝાખસ્તાનની યેલિજાવેતા કોરોલને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. સ્વિટ્ઝર્લેન્ડ અને ચીને આ સ્પર્ધાની બંન્ને ઓલમ્પિક ટિકિટ હાસિલ કરી હતી.