જેકબ માર્ટિનને મળી રહી છે મદદ, હવે ચેન્નઈ સુપકિંગ્સે આપ્યા ત્રણ લાખ રૂપિયા
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માર્ટિનની મદદ માટે ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ લાખ રૂપિયા આપ્યા છે.
ચેન્નઈઃ દુર્ઘટનાને કારણે મુશ્કેલ સ્થિતિમાં પહોંચી ગયેલા ભારત અને બરોડાના પૂર્વ ક્રિકેટર જૈકબ માર્ટિન માટે આર્થિક મદદનો સિલસિલો ચાલી રહ્યો છે. પહેલા બીસીસીઆઈ, બીસીએઅને ત્યારબાદ કૃણાલ પંડ્યાએ મદદની જાહેરાત કરી હતી. હવે ચેન્નઈ સુપરકિંગ્સે માર્ટિનની સારવાર માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે.
ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કેએલ વિશ્વનાથને કહ્યું, ચેન્નઈ સુપરકિંગ્સ ક્રિકેટ લિમિટેડે માર્ટિનની સારવાર માટે ત્રણ લાખ રૂપિયા આપ્યા છે. તેમણે કહ્યું, તેની નાણાકિય સ્થિતિ વિશે જાણકારી લેવા માટે અમે બરોડા ક્રિકેટ સંઘના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. અમે તે ઝડપથી સ્વસ્થ થઈએ તેની પ્રાર્થના કરીએ છીએ.
આ પહેલા ક્રૃણાલ પંડ્યાએ મદદ માટે એક બ્લેન્ક ચેક આપ્યો હતો. માર્ટિન વડોદરાનો છે અને કૃણાલ પણ આજ શહેરમાંથી આવે છે. કૃણાલે માર્ટિનની મદદ માટે બ્લેન્ક ચેક આપ્યો છે. ટેલીગ્રાફ પ્રમાણે, પંડ્યાએ બ્લેન્ક ચેક આપતા કહ્યું, સર, આ ચેકમાં જેટલા પૈસાની જરૂર હોય ભરો, પરંતુ 1 લાખ રૂપિયાથી ઓછા નહીં.
બીસીસીઆઈએ કરી મદદ
બીસીસીઆઈએ આ પહેલા તેની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી હતી. જેકબની પત્નીએ બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીને પત્ર લખીને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, માર્ટિનને દવા આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તે વેન્ટિલેટર પર છે. તેમણે અપીલ કરી કે ઝડપથી તેમની મદદ કરવામાં આવે. મદદની રકમ સીધી સ્ટર્લિંગ હોસ્પિટલના બેન્ક એકાઉન્ડમાં જમા કરવાનું કહ્યું હતું.
આ પહેલા બરોડા ક્રિકેટ એસોસિએશને પણ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. મહત્વનું છે કે, એક અકસ્માત બાદ માર્ટિન હોસ્પિટલમાં છે. પૈસાના અભાવે હોસ્પિટલે તેની સારવાર બંધ કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ તથા અનેક પૂર્વ ક્રિકેટરોએ પણ માર્ટિનની મદદ કરી છે. વડોદરાના યૂસુફ પઠાણે પણ જેકોબને મદદ કરી હતી.
46 વર્ષિય માર્ટિન ભારત માટે 10 વનડે મેચ રમ્યો હતો.