IND vs AUS: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં BCCIનો મોટો નિર્ણય, આ ગુજરાતીને સોંપી મોટી જવાબદારી
Border-Gavaskar Trophy 2024/25 : ભારતીય ટીમ બે ભાગમાં 10 અને 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે રવાના થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. આ પહેલા બીસીસીઆઈએ ભારતીય ટીમના મેનેજરની નિમણૂંક કરાઈ છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ આ સિરીઝ ભારતીય ટીમ માટે ખુબ મહત્વની છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે 3-થી હાર્યા બાદ ભારતના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાના સપનાને જોરદાર ઝટકો લાગ્યો છે. હવે ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 4-0થી જીત મેળવવી પડશે. બાકી અન્ય સમીકરણો પર નિર્ભર રહેવું પડશે. આ વચ્ચે બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જયદેવ શાહને મહત્વની જવાબદારી સોંપી છે.
આ ગુજરાતીને સોંપી જવાબદારી
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે 10 અને 11 નવેમ્બરે રવાના થશે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. ભારતના આ પ્રવાસ માટે બીસીસીઆઈ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહની ટીમ મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે. એટલે કે જયદેવ શાહ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
પ્રથમ ટેસ્ટ, 22થી 26 નવેમ્બર, પર્થ
બીજી ટેસ્ટ, 6થી 10 ડિસેમ્બર, એડિલેડ ઓવલ
ત્રીબી ટેસ્ટ, 14થી 18 ડિસેમ્બર, બ્રિસ્બેન
ચોથી ટેસ્ટ, 26થી 30 ડિસેમ્બર, મેલબોર્ન
પાંચમી ટેસ્ટ, 3થી 7 જાન્યુઆરી, 2025, સિડની
આ પણ વાંચોઃ ક્રિકેટના 4 સૌથી શરમજનક રેકોર્ડ... જેમાંથી એક તો દિગ્ગજ ભારતીય ખેલાડીના નામે
આ અગાઉ જયદેવ શાહ ભારતની શ્રીલંકા સામે ઘરઆંગણે રમાયેલ 2 મેચની ટેસ્ટ સિરીઝ (જેમાં પિન્કબોલ ટેસ્ટ સામેલ હતી) અને 3 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોની સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાના મેનેજર રહી ચૂક્યા છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ આ મેચો ફેબ્રુઆરી થી માર્ચ 2022 વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમે શ્રીલંકાનો ટેસ્ટ અને ટી20 બંને ફોર્મેટની સિરીઝમાં વ્હાઈટવૉશ કર્યો હતો.
આ ઉપરાંત જયદેવ શાહને નવેમ્બર 2022માં ભારતની ન્યૂઝીલેન્ડ સામેની અવે સિરીઝમાં પણ ટીમ મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારે 3 વન-ડે અને 3 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોની સિરીઝમાં હાર્દિક પંડ્યા અને શિખર ધવન કેપ્ટન રહ્યાં હતા.
મેનેજર તરીકેની નિમણૂંક પર જયદેવ શાહે કહ્યું કે,"હું બીસીસીઆઈ સેક્રેટરી જય ભાઈ શાહનો આભાર માનું છું, જેમણે ટીમ ઈન્ડિયાના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસે મારી નિમણૂંક ટીમ મેનેજર તરીકે કરી. આ ભૂમિકા માટે મારી પસંદગી થવી એ સન્માનજક બાબત છે. હું તે માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય ટીમનું વિદેશી ધરતી પર પ્રતિનિધિત્ત્વ કરવું એ હંમેશા ગર્વની વાત હોય છે અને હું ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમની સફળતામાં યોગદાન આપવા ઉત્સુક છું."