વર્લ્ડ એથલેટિક્સઃ ફ્રેઝર 100 મીટરમાં 4 ગોલ્ડ જીતનારી પ્રથમ રનર, બોલ્ટ સહિત 3ને પાછળ છોડ્યા
30 વર્ષની ફ્રેઝર પ્રાઇસ 2008 અને 2012 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી હતી.
દોહાઃ જમૈકાની શેલી એન ફ્રેઝર પ્રાઇસે કતરની રાજધાની દોહામાં રવિવારે મહિલાઓની 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેનો ચોથો ગોલ્ડ મેડલ છે. ફ્રેજર પ્રાઇસ 100 મીટર રેસમાં ચાર વખત ચેમ્પિયન બનનારી વિશ્વની પ્રથમ રનર બની ગઈ છે. તેણે જમૈકાના ઉસેન બોલ્ટ, અમેરિકાના કાર્લ લુઈસ અને મોરિસ ગ્રીનના 3-3 ગોલ્ડ મેડલના રેકોર્ડને તોડી દીધો છે. મહિલાઓમાં ફ્રેજર પ્રાઇસ બાદ સૌથી વધુ 2 ગોલ્ડ અમેરિકાની મરિયન જોન્સના નામે છે.
ફ્રેઝર પ્રાઇસે સિઝનનો બેસ્ટ સમય કાઢતા પ્રથમ સ્થાન હાસિલ કર્યું હતું. તેણે 10.71 સેકન્ડનો સમય લીધો હતો. બ્રિટનની ડાઇના એશર-સ્મિથ 10.83 સેકન્ડની સાથે બીજા સ્થાન પર રહી હતી. બે વર્ષ પહેલા લંડનમાં 100 મીટર અને 200 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતનારી આઇવરી કોસ્ટની મેસી જોસ તા લોઉને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. તેણે 10.90 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
10 મહિના પહેલા માં બનેલી એથલીટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તોડ્યો બોલ્ટનો રેકોર્ડ
ફ્રેઝર પ્રાઇસ બાળકની સાથે પોડિયમ પર આવી
30 વર્ષની ફ્રેઝર પ્રાઇસ 2008 અને 2012 ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતી હતી. દોહામાં તેના પ્રદર્શન બાદ એવુ માનવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ જીતી શકે છે. રેસ જીત્યા બાદ ફ્રેઝરે કર્યું, 'મારા બાળકની સાથએ પોડિયમ પર ઉભા રહેવુ સપનું પૂરુ થવા બરાબર છે. હું પાછલી રાત્રે ન સુઈ શકી. છેલ્લે હું 2016મા કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી હતી.'