જાપાન ઓપનઃ સૌથી લાંબી મેચ રમ્યા બાદ પણ કિદાંબી શ્રીકાંતનો પરાજય, ભારતીય પડકાર સમાપ્ત
સાતમા ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતને દક્ષિણ કોરિયાના લી. ડોંગ કેઉને 21-19, 16-21, 18-21થી હરાવ્યો
ટોકિયોઃ જાપાનમાં ચાલી રહેલી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના કિદાંબી શ્રીકાંતને ક્વાર્ટર ફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ જાપાન ઓપનમાં ભારતીય પડકાર સમાપ્ત થઈ ગયો છે. ઓલિમ્પિક અને એશિયન ગેમ્સની મેડલિસ્ટ પી.વી. સિંધુ અને એચ.એસ. પ્રણય ગુરૂવારે જ હારીને ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયા હતા.
સાતમા ક્રમાંકિત કિદાંબી શ્રીકાંતને શુક્રવારે દક્ષિણ કોરિયાના લી ડોંગ કેઉન સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. લી ડોંગનું વર્લ્ડ રેન્કિંગ 33 છે, જ્યારે શ્રીકાંત વિશ્વમાં 8મા ક્રમે છે. શ્રીકાંત આ મેચ સરળતાથી જીતી લેશે એવું લાગતું હતું.
1 કલાક 19 મિનિટ સુધી ચાલી મેરેથોન મેચ
કિદાંબી શ્રીકાંત અને લી ડોંગ વચ્ચેની સેમિફાઈનલ મેરેથોન મેચ રહી. લી ડોંગે 7 લાખ ડોલરની ઈનામી રકમ ધરાવતી આ ટૂર્નામેન્ટમાં શ્રીકાંતને એક કલાક અને 19 કલાક સુધી ટક્કર આપીને મેચ જીતી હતી. તેણે શ્રીકાંતને 21-19, 16-21, 18-21થી હરાવ્યો હતો. શુક્રવારની આ મેચ સૌથી લાંબી રહી હતી.
લીડ લીધા બાદ પણ શ્રીકાંતનો પરાજય
ભારતીય ખેલાડીએ મેચમાં સારી શરૂઆત કરી હતી. તેણે કોરિયાના લી ડોંગ કેઉનને પ્રથમ ગેમમાં 21-19થી હરાવ્યો હતો. કોરિયન ખેલાડીએ બીજી ગેમ 21-16થી જીતી લઈને ગેમ 1-1 કરી દીધી હતી. ત્યાર બાદ તેણે ત્રીજી અને નિર્ણાયક ગેમ પણ 21-18થી પોતાને નામ કરી લીધી હતી.
ટોપ-20માં પણ લી ડોગ આવ્યો નથી
દક્ષિણ કોરિયાનો લી ડોંગ દુનિયાના ટોપ-20 ખેલાડીઓમાં ક્યારેય પહોંચ્યો નથી. આથી, તેનો આ વિજય ઘણો જ મહત્ત્વનો બની જાય છે. ભારતીય શટલર શ્રીકાંત અને તેના વચ્ચે આ બીજી મેચ હતી. બંને વખત લી ડોંગ જ જીત્યો છે.
ડબલ્સમાં પણ ભારતીય જોડીઓનો પરાજય
પુરુષ ડબલ્સમાં પણ ભારતીય ખેલાડી આગળ વધવામાં નિષ્ફળ રહ્યા છે. મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીની જોડી પ્રી ક્વાર્ટરમાં હારી ગઈ હતી. મિક્સ્ડ ડબલ્સમાં પણ ભારતીય ખેલાડી ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શક્યા ન હતા. પ્રણવ જેરી ચોપડા અને એન. સિક્કી રેડ્ડીની જોડીને મિક્સ્ડ ડબલ્સમાં બીજા રાઉન્ડમાં જ પરાજયનો સમાનો કરવો પડ્યો હતો.