સૌથી ઓછા બોલમાં 150 વિકેટ, 100 વર્ષમાં શ્રેષ્ઠ એવરેજ, જસપ્રીત બુમરાહે બનાવ્યા મોટા રેકોર્ડ
જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટના બીજા દિવસે છ બેટરોને આઉટ કર્યા હતા. સ્પિન માટે મદદરૂપ પિચ પર બુમરાહ સ્પેશિયલ જોવા મળ્યું. બુમરાહે છ વિકેટ ઝડપવાની સાથે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
વિશાખાપટ્ટનમઃ જસપ્રીત બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટના બીજા દિવસે કમાલની બોલિંગ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના છ બેટરોને આઉટ કર્યાં અને તેની ઈનિંગને 253 રનો પર સમેટી હતી. પોતાની સટીક યોર્કર અને સ્વિંગ બોલિંગથી બુમરાહે રૂટ, પોપ, સ્ટોક્સ અને બેયરસ્ટો સહિત છ શિકાર કર્યા હતા. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 150 વિકેટ પણ પૂરી કરી છે. આ સ્પેલ દરમિયાન બુમરાહે ઘણા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.
સૌથી ઓછા બોલ પર 150 વિકેટ લેનાર ભારતીય
જસપ્રીત બુમરાહ સૌથી ઓછા બોલ પર 150 વિકેટ ઝડપનાર ભારતીય બોલર પણ બની ગયો છે. તે 6781 બોલ પર ટેસ્ટમાં અહીં સુધી પહોંચ્યો છે. ત્યારબાદ ઉમેશ યાદવનો નંબર આવે છે. ઉમેશે 7661 બોલ પર 150 વિકેટ લીધી હતી.
સૌથી ઝડપી 150 વિકેટ લેનાર પેસર
જસપ્રીત બુમરાહ ટેસ્ટમાં સૌથી ઓછી ઈનિંગમાં 150 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે 64મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. મહાન કપિલ દેવે 150 ટેસ્ટ વિકેટ લેવા માટે 67 ઈનિંગ લીધી હતી.
ઘરેલૂ મેદાન પર બેસ્ટ પ્રદર્શન
બુમરાહે 45 રન આપી છ બેટરોને આઉટ કર્યા છે. તે ઘરેલૂ મેદાન પર તેનું બેસ્ટ ઓવરઓલ ત્રીજુ બેસ્ટ પ્રદર્શન છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં 33 જ્યારે વિન્ડીઝ સામે કિંગસટનમાં 27 રન આપી છ વિકેટ લીધી હતી.
WTCમાં 100 વિકેટ લેનાર પ્રથમ એશિયન પેસર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત 2019માં થઈ હતી. બુમરાહે તેમાં 100 વિકેટ પૂરી કરી છે અને એશિયાનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે. બુમરાહથી વધુ વિકેટ 8 બોલરોની છે પરંતુ એવરેજના મામલામાં તેનાથી આગળ કોઈ નથી.
એવરેજના મામલામાં પણ ટોપ પર
ટેસ્ટ ક્રિકેટના છેલ્લા 100 વર્ષમાં 150થી વધુ વિકેટ લેનાર બોલરોમાં બુમરાહની એવરેજ સૌથી સારી છે. તેણે 20.28ની એવરેજથી વિકેટ ઝડપી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના એલન ડેવિડસનનો નંબર આવે છે. ડેવિસનની એવરેજ 20.53ની છે.