બુમરાહે બે દિવસ પહેલા કરી રક્ષાબંધનની ઉજવણી, તસવીર ટ્વીટ કરી જણાવ્યું કારણ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ખાસ કારણને લીધે રક્ષાબંધનના તહેવારની ઉજવણી બે દિવસ પહેલા કરી લીધી છે. બુમરાહે બહેનની સાથે રાખી બંધાવતી પોતાની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી છે.
અમદાવાદઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મંગળવારે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. ભલે રક્ષાબંધનને હજુ બે દિવસનો સમય હોય, પરંતુ આ ફાસ્ટ બોલરે ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ રવાના થવાનું છે, તેથી તેણે આજે પોતાની બહેન જુહીકા પાસે પોતાના હાથ પર રાખડી બંધાવી લીધી હતી.
બુમરાહે બહેનની સાથે રક્ષાબંધનની બે તસવીરો ટ્વીટ કરતા પોતાના ફેન્સ સાથે આ જાણકારી શેર કરી હતી. બુમરાહે લખ્યું, 'ટીમ ઈન્ડિયાની ડ્યૂટીનો મતલબ છે કે હું આ રક્ષાબંધન પર અહીં રહીશ નહીં પરંતુ જૂહીકા (બુમરાહની બહેન) હું આ તહેવારને ઉજવવાનું ચુકવા માગતો નથી. હંમેશા મારો સાથ આપવા માટે આભાર.' આ સાથે બુમરાહે બે હસ્તા ઇમોજી પણ બનાવ્યા છે.
મહત્વનું છે કે ભારતના વિશ્વ કપ અભિયાન બાદ જસપ્રીત બુમરાહ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર સીમિત ઓવરોની સિરીઝ દરમિયાન આરામ પર હતો. હવે બુમરાહ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ટીમ સાથે જોડાશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી એન્ટીગુઆમાં રમાશે અને ત્યારબાદ બીજી અને અંતિમ ટેસ્ટ 30 ઓગસ્ટથી જમૈકામાં શરૂ થશે.