સિડનીઃ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી વનડે સિરીઝ અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 21 વિકેટ લઈને ભારતની 2-1થી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીસીસીઆઈએ એક નિવેનદમાં કહ્યું, બોલરોના કાર્યભારને ધ્યાનમાં રાખતા તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે સિરીઝ પહેલા પર્યાપ્ત આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોહમ્મદ સિરાજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 


તેમાં કહેવામાં આવ્યું છે કે, પંજાબના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. માત્ર 12 મહિના પહેલા ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર બુમરાહ હવે ત્રણેય ફોર્મેટમાં ભારતનો મુખ્ય બોલર બની ગયો છે. 


બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર અને ઈશાંત શર્માની હાજરીવાળા આક્રમણને ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ આક્રમણ માનવામાં આવી રહ્યું છે. કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં પ્રથમ જીત બાદ બોલરોના કાર્યભારને વ્યવસ્થિત કરવા પર ભાર આપ્યો હતો, ત્યારબાદ બુમરાહને આરામ આપવાનો નિર્ણય લેવાયો છે. 


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ વનડે મેચ રમાશે, જેનો પ્રથમ મેચ શનિવારથી રમાશે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં 23 જાન્યુઆરીથી ભારતીય ટીમ પાંચ વનડે અને ત્રણ ટી20 મેચોની સિરીઝ રમશે.