AUS vs IND: ભારતને વધુ એક ઝટકો, હવે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાને કારણે બહાર
ઓસ્ટ્રેલિયા સામે રમાનારી અંતિમ ટેસ્ટ પહેલા ભારતીય ટીમ ઈજાઓથી પરેશાન છે. હવે બુમરાહ પણ ઈજાનેકારણે અંતિમ ટેસ્ટ રમશે નહીં.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ 15 જાન્યુઆરીથી બ્રિસબેનમાં રમાવાની છે. પરંતુ આ સિરીઝ ભારત માટે મુશ્કેલ ભરી રહી છે. પ્રથમ ટેસ્ટ મેચથી ભારતના એક બાદ એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે. હવે અંતિમ ટેસ્ટ પહેલા ભારતને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા હનુમા વિહારી અને રવીન્દ્ર જાડેજા પણ ઈજાને કારણે અંતિમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં.
અહેવાલ છે કે બુમરાહના સ્કેન રિપોર્ટમાં સ્ટ્રેન જોવા મળી રહ્યો છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને રમાડીને કોઈ ખતરો લેવા માગતું નથી. ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ રમવાની છે. તેને જોઈને ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેશે નહીં.
બીસીસીઆઈના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યુ, જસપ્રીત બુમરાહને સિડનીમાં ફીલ્ડિંગ દરમિયાન એબડોમિનલ સ્ટ્રેન થઈ ગયો હતો. તે બ્સિબનમાં ટેસ્ટ નહીં રમે. પરંતુ ઈંગ્લેન્ડ સામે સિરીઝમાં ઉપલબ્ધ રહી શકે છે.
આ પણ વાંચોઃ AUS vs IND: અંતિમ ટેસ્ટ પહેલા ભારતને લાગ્યો મોટો ઝટકો, આ બે ખેલાડી થયા બહાર
આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બે ટેસ્ટ મેચ રમનાર મોહમ્મદ સિરાજ ભારતીય ફાસ્ટ આક્રમણની આગેવાની કરશે. આ સિવાય નવદીપ સૈની ટીમમાં રહેશે. શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનને 15 જાન્યુઆરીથી શરૂ થનારી ટેસ્ટ મેચમાં તક મળી શકે છે.
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમના ઘણા ખેલાડી ઈજાને કારણે બહાર થઈ ચુક્યા છે. ફાસ્ટ બોલર શમી અને ઉમેશ યાદવ સિવાય રાહુલ પણ બહાર થઈ ચુક્યો છે. તે સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલ જાડેજા અંતિમ ટેસ્ટ રમશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube