આવતીકાલે જીતનો જશ્ન, મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ, રોહિતે ફેન્સને આપ્યું ખાસ આમંત્રણ
રોહિત શર્માએ ભારત પહોંચતા પહેલા એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી છે. તેણે જીતના જશ્નમાં સામેલ થવા માટે ફેન્સને ખાસ આમંત્રણ આપ્યું છે. ટીમ ઈન્ડિયાની મુંબઈમાં વિક્ટ્રી પરેડ યોજાશે.
Team India Victory Parade: ભારતની ટી20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઘણા દિવસથી ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં ફસાયેલી હતી. આખરે ટીમ ઈન્ડિયા એક ચાર્ટર્ડ ફ્લાઇટમાં બાર્બાડોસથી ઉડાન ભરી ચૂકી છે અને ગુરૂવારે સવારે 6 કલાકે દિલ્હીમાં લેન્ડ કરશે. હવે વિશ્વકપમાં ભારતના કેપ્ટન રહેલા રોહિત શર્માએ એક્સના માધ્યમથી મુંબઈમાં યોજાનાર રોડ શોની માહિતી આપી છે. રોહિતે જણાવ્યું કે તે પોતાના બધા ફેન્સની સાથે આ ઐતિહાસિક જીતનો આનંદ લેવા ઈચ્છે છે. નોંધનીય છે કે ગુરૂવારે સાંજે 5 કલાકે મુંબઈમાં મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ સુધી ટીમ ઈન્ડિયાનો રોડ શો યોજાશે.
રોહિતે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે આ ખાસ પળને તમારી સાથે ઉજવવા ઈચ્છીએ છીએ. તો આવો આ ઐતિહાસિક જીતની એક વિક્ટ્રી પરેડ સાથે ઉજવણી. જે ગુરૂવારે સાંજે 5 કલાકે મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ પહોંચશે. ટ્રોફી હવે ઘરે આવી રહી છે. કેપ્ટન રોહિત શર્માએ આ સિવાય ઈન્સ્ટાગ્રામ પર સૂર્યકુમાર યાદવની સાથે એક તસવીર શેર કરી જણાવ્યું કે તે ભારત આવવા નિકળી ગયા છે.
BCCI સચિવે પણ કર્યો આગ્રહ
રોહિત શર્મા પહેલા બીસીસીઆઈ સચિવ જય શાહે પણ X ના માધ્યમથી લોકોને આગ્રહ કર્યો કે તે જરૂર મરીન ડ્રાઇવ અને વાનખેડે સ્ટેડિયમ પહોંચે. જય શાહે લખ્યું- મહેરબાની કરી ટીમ ઈન્ડિયાના સન્માનમાં યોજાનારી વિક્ટ્રી પરેડમાં અમારો સાથ આપે. 4 જુલાઈએ સાંજે 5 કલાકે મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ જરૂર પહોંચો. મહત્વનું છે કે બેરિલ નામના ચક્રવાતી તોફાનને કારણે બાર્બાડોસમાં હવાઈ યાત્રા રોકી દેવામાં આવી હતી, એટલે ભારતીય ટીમના સ્વદેશ પરત ફરવામાં વિલંબ થયો હતો.
4 જુલાઈ માટે ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
- એર ઈન્ડિયાની ફ્લાઇટ 4 જુલાઈએ સવારે 6 કલાકે દિલ્હીમાં લેન્ડ કરશે.
- પ્લેયર્સ સવારે 9.30 પર પીએમ આવાસ માટે રવાના થશે.
- 11 કલાકે પીએમ મોદી ટીમ ઈન્ડિયાને સન્માનિત કરશે.
- ત્યારબાદ ખેલાડી ચાર્ટર્ડ ફ્લાઇટથી મુંબઈ માટે ઉડાન ભરશે.
- સાંજે 5 કલાકે મરીન ડ્રાઇવથી વાનખેડે સ્ટેડિયમ વચ્ચે ઓપન બસ રોડ શો થશે.