ભારતીય મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીએ આંતરરાષ્ટ્રીય ટી-20માંથી લીધો સંન્યાસ
ઝુલન ગોસ્વામીના નામે ભારત તરફથી ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે
મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અનુભવી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષની ઝુલને 68 ટી20માં 56 વિકેટ લીધી છે. જેમાં 2012માં ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટ તેનો શ્રેષ્ઠ રેકોર્ડ છે. તેણે 2006માં ઈંગ્લેન્ડ સામે ટી20માં પદાર્પણ કર્યું હતું અને આ વર્ષે જુનમાં બાંગ્લાદેશ સામે અંતિમ ટી20 મેચ રમી હતી.
ઝુલન ગોસ્વામીએ ટી20માં પોતાની સફળતા માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ટીમના સાથીઓનો આભાર માન્યો હતો. બીસીસીઆઈ અને સમગ્ર મહિલા ક્રિકેટ ટીમનું ક્રિકેટમાં તેના યોગદાન માટે આભાર માનવાની સાથે તેણે ભવિષ્ય માટે પોતાની શુભકામનાઓ પાઠવી હતી.
વન ડે ક્રિકેટમાં ઝુલનના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે 169 મેચમાં 203 વિકેટ લીધેલી છે. આ ઉપરાંત, તેણે 10 ટેસ્ટમાં 40 વિકેટ લીધી છે. ઝુલન ગોસ્વામી ટી20 ઈન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ 56 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે.
ઝુલનને મળ્યો છે પદ્મશ્રી
35 વર્ષની ઝુલન ગોસ્વામીનો જન્મ 25 નવેમ્બર, 1982માં કોલકાતા ખાતે થયો હતો. તેણે પોતાની પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે 2002માં રમી હતી. ઝુલનને ગયા વર્ષે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનું સન્માન મળ્યું હતું. વર્ષ 2007માં તે આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરાઈ હતી. 2007માં આઈસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર બન્યા બાદ તેને ભારતીય ટીમની કેપ્ટન બનાવાઈ હતી. વર્ષ 2010માં તેને અર્જુન પુરસ્કાર અને 2012માં પદ્મશ્રીથી સન્માનિત કરાઈ હતી.
15 વર્ષની વયે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી
ઝુલનનો જન્મ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. બાળપણમાં તે ફૂટબોલની પ્રશંસક હતી, પરંતુ સંયોગવશાત 1997માં મહિલા વર્લ્ડ કપની ફાઈનલ ઝુલનના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડ, કોલકાતા ખાતે રમાનારી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ વચ્ચે હતી. અહીં ઝુલને બોલ ગર્લ તરીકે કામ કર્યું. આ મેચમાં બેલિંડા ક્લાર્ક, ડેબી હોકી અને કેથરીન ફિટ્ઝપેટ્રિક જેવી જાણીતી ખેલાડીઓને જોઈને તેણે નક્કી કર્યું કે તે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવશે.
ક્રિકેટર બનવાનું સ્વપ્ન અધુરું ન મુક્યું
ઝુલન દરરોજ સવારે 4.30 કલાકે ઉઠી જતી અને લોકન ટ્રેન દ્વારા પ્રેક્ટિશ સેશનમાં પહોંચી જતી હતી. તે કોલકાતાથી 80 કિમી દૂર રહેતી હતી. અનેક વખત ટ્રેન મિસ થઈ જવાને કારણે તે પ્રેક્ટિસ સેશનમાં પહોંચી શકતી ન હતી. જોકે, તેમ છતાં તેણે ક્રિકેટર બનવાનું સ્વપ્ન છોડ્યું ન હતું. ઝુલનના માતા-પિતા ઈચ્છતા હતા કે તે પોતાનું વધુ ધ્યાન અભ્યાસ પર કેન્દ્રિત કરે.
કોઝીના નામથી છે ફેમસ
ઝુલનને તેના મિત્રો અને પરિજનો કોઝીના નામથી બોલાવે છે. ઝુલનનું વર્ષ 2017નો મહિલા વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન હતું, પરંતુ તેની ટીમ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પરાજિત થઈ હતી. ઝુલન અંગે એક વખત તેના સંબંધીએ જણાવ્યું હતું કે, ઝુલન તું સારી ક્રિકેટર તો છે જ, પરંતુ તેના કરતાં પણ વધુ સારી માનવી છે. આ તેને મળેલી અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ કોમ્પ્લીમેન્ટ હતી.