નવી દિલ્હીઃ ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડે કેરેબિયન મૂળના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને વિશ્વ કપ 2019 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોફ્રાએ પણ ઈંગ્લેન્ડને નિરાશ ન કર્યું અને ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી છે. આર્ચરે ઈંગ્લેન્ડ માટે તમામ લીગ મુકાબલામાં પોતાની સાતત્યતા જાળવી રાખી અને પોતાના પહેલા વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે એક નવો ઈતિહાસ રચી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇયાન બોથમને પાછળ છોડી જોફ્રાએ કર્યો કમાલ
જોફ્રા આર્ચરે પોતાના પહેલા વિશ્વ કપમાં દેખાડી દીધું કે તેનામાં કેટલી સંભાવનાઓ છે. તેણે ન માત્ર પોતાની ટીમ માટે વિકેટ ઝડપી પરંતુ વિરોધી બેટ્સમેનોને પણ આક્રમક રમતા રોક્યા હતા. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ લીગ મેચ દરમિયાન માર્ટિન ગુપ્ટિલને આઉટ કરતા એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જોફ્રા હવે ઈંગ્લેન્ડ તરફથી વિશ્વ કપ ટૂર્નામેન્ટની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે મહાન ખેલાડી ઇયાન બોથમને પાછળ છોડી દીધા છે. ઇયાન બોથમે 1992ના વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપી હતી અને 27 વર્ષ બાદ જોફ્રાએ તેમનો રેકોર્ડ તોડી દીધો છે. 


ઈંગ્લેન્ડ માટે એક વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર


-17 જોફ્રા આર્ચર (2019)*
-16 ઇયાન બોથમ (1992)
-14 એન્ડ્રૂ ફ્લિન્ટોફ (2007)
-13 વી માર્કસ (1983)
-13 ઇ હેમિંગ્સ (1987)
-13 માર્ક વુડ (2019)