લંડનઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (Jofra Archer) એ માર્ચ 2021માં ઈંગ્લેન્ડ માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારબાદ તે ઈજાને કારણે મેદાનની બહાર હતો. હવે આશરે બે વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં આગામી મહિને રમાનારી વનડે સિરીઝમાં તે ઈંગ્લેન્ડની ટીમમાં વાપસી કરશે. આર્ચરે 2019માં ઈંગ્લેન્ડને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ માર્ચ 2021 હાદ તે ઈજાને કારણે ઈંગ્લેન્ડ માટે રમી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 27 વર્ષના ફાસ્ટ બોલરે કોણી સંબંધિત ઈજાને કારણે બે સર્જરી કરાવવી પડી અને પછી પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થવાને કારણે તેની વાપસીમાં વિલંબ થયો. પાછલા મહિને તે ટ્રેનિંગ માટે ઈંગ્લેન્ડની લાયન્સ ટીમ સાથે જોડાયો હતો અને તેણે અબુધાબીમાં એક પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડની સીનિયર ટીમ વિરુદ્ધ બોલિંગ કરી હતી. હવે આર્ચર આગામી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતો જોવા મળી શકે છે. 


આ પણ વાંચોઃ Ind vs Ban: ઉમેશ-અશ્વિનની 4-4 વિકેટ, બાંગ્લાદેશ 227 રનમાં ઓલઆઉટ, ભારત 19/0


જોફ્રા આર્ચરને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ વનડે મેચની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિરીઝ 2020માં કોવિડ-19 ખતરાને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી, જેને હવે આયોજીત કરવામાં આવી રહી છે. મેચ 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડની કમાન જોસ બટલરના હાથમાં છે. ઈંગ્લેન્ડ ટીમ આગામી વર્ષે ભારતમાં પોતાનું વનડે વિશ્વકપનું ટાઇટલ બચાવવા ઉતરશે. 


ઈંગ્લેન્ડ ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, હેરી બ્રુક, સેમ કરન, બેન ડકેટ, ડેવિડ મલાન, આદિલ રાશિદ, જેસન રોય, ફિલ સોલ્ટ, ઓલી સ્ટોન, રીસ ટોપ્લે, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube