કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશિપઃ ભારતે પાકિસ્તાનને 36-20થી આપ્યો પરાજય, ટ્વીટર પર ઉડી મજાક
ભારતીય કેપ્ટન અજય ઠાકુરને કારણે ભારતે બ્રેક સુધી 22-9ની લીડ મેળવી લીધી હતી અને ત્યારબાદ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું.
દુબઈઃ ટાઇટલની પ્રબળ દાવેદાર ભારતે દુબઈમાં શરૂઆતી કબડ્ડી માસ્ટર્સ ચેમ્પિયનશિપના પ્રથમ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 36-20થી હરાવીને શાનદાર શરૂઆત કરી. ભારતીય કેપ્ટન અજય ઠાકુરને કારણે ભારતે બ્રેક સુધીમાં 22-9ની લીડ મેળવી લીધી હતી અને ત્યારબાદ ટીમે પાછુ વળીને જોયું નથી. ઠાકુરે 15 રેડ અંક બનાવ્યા અને તે ટેકલ કરવામાં પણ મજબૂત રહ્યો, જેમાં ટીમે 12 અંક મેળવ્યા. ભારતે હાફ ટાઇમ સુધીમાં 13 અંકની લીડ મેળવી લીધી હતી.
અજય ઠાકુરને શ્રેય આપતા ભારતીય કોચ શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું, અજયે તેના બંન્ને કોર્નર પર કબજો કર્યો અને તેના ડિફેન્સને તોડી નાખ્યું. પાકિસ્તાની ટીમ ભારત વિરુદ્ધ લયમાં ન દેખાઈ અને તેના કોચ નબીલ અહમદે વીઝાની મુશ્કેલીને કારણે ટીમના મોડા આવવાની વાત કરી.
તેમણે કહ્યું, અમે અહીં સવારે સાત કલાકે પહોંચ્યા અને પ્રેક્ટિસ કરવાનો સમય ન મળ્યો. અમને આગામી મેચમાં સારા પ્રદર્શનની આશા છે.
પાકિસ્તાનની આ કરારી હાર બાદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી.