પ્રતિબંધ બાદ રબાડાને મળી ખુશખબર, નંબર વન બનીને બનાવ્યો નવો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી મેચમાં આક્રમક વર્તનને કારણે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર રબાડા પર બે મેચનો પ્રતિબંધ લાગ્યો છે.
દુબઈઃ દક્ષિણ આફ્રિકાના સ્ટાર બોલર કાગિસો રબાડાને ભલે પોતાના વર્તનને કારણે બે ટેસ્ટનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં 11 વિકેટ લેવાની સાથે આઈસીસી ટેસ્ટ રેકિંગમાં નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આઈસીસીએ મંગળવારે જારી કરેલી રેકિંગમાં રબાડાએ ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પછાડીને પ્રથમ સ્થાન હાસિંલ કર્યું છે.
રબાડાએ 902 અંક હાસિલ કરતા ટેસ્ટ ક્રિકેટ બોલરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેકિંગમાં ભારતનો રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને યથાવત છે. સ્પિન બોલર અશ્વિનને બે સ્થાનનો ફાયદો થતા ચોથા સ્થાને પહોંચી ગયો છે.
900 રેટિંગ મેળવનાર ચોથો ખેલાડી
દક્ષિણ આફ્રિકાનો બોલર રબાડા આઈસીસી રેકિંગમાં 900 અંકોથી આગળ પહોંચનારો 23મો બોલર બની ગયો છે અને દક્ષિણ આફ્રિકાનો ચોથો ખેલાડી છે. આ પહેલા વર્નોન ફિલાન્ડર (912- વર્ષ 2013), શોન પોલોક (909- વર્ષ 1999) અને ડેલ સ્ટેન (909- વર્ષ 2009) 900 અંકોનો આંકડો પાર કર્યો છે.
આઈસીસી ટેસ્ટ બેટિંગ રેકિંગમાં દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન એબી ડિવિલિયર્સ પાંચ સ્થાનોની છલાંગ સાથે સાતમાં સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં અણનમ 126 અને બીજા દાવમાં 28 રન બનાવ્યાય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાએ બીજી ટેસ્ટમાં 75 રનની ઈનિંગ રમતા પાંચ સ્થાનના ફાયદા સાથે 16માં સ્થાને પહોંચી ગયો છે.