નવી દિલ્હીઃ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ગાલેના મેદાન પર રમાઈ રહ્યો છે, જેમાં યજમાન ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ દિવસના અંતે શ્રીલંકન ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 7 વિકેટે 302 રન બનાવી લીધા છે. દિવસના અંતે રમેશ મેન્ડિસ 14 અને પ્રભાત જયસૂર્યા 0 રન બનાવી ક્રીઝ પર હતા. ગાલે ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો હીરો શ્રીલંકાનો કામિંદુ મેન્ડિસ રહ્યો, જેણે 11મી ટેસ્ટ ઈનિંગમાં કરિયરની ચોથી સદી ફટકારી હતી. કામિંદુ મેન્ડિસે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યા બાદ સતત પોતાના બેટથી નવા રેકોર્ડ બનાવવાનું કામ કર્યું છે. હવે તેણે વધુ એક સદી ફટકારી ડોન બ્રેડમેના ખાસ રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા માટે સૌથી ઓછી ઈનિંગમાં 4 સદી ફટકારનાર બેટર બન્યો કામિંદુ મેન્ડિસ
કામિંદુ મેન્ડિસ પ્રથમવાર ટેસ્ટ કરિયરમાં નંબર-5 પર બેટિંગ કરવા ઉતર્યો હતો. કામિંદુ જ્યારે બેટિંગ કરવા આવ્યો તે સમયે શ્રીલંકાનો સ્કોર 69 રન પર બે વિકેટ હતો. કામિંદુએ મેથ્યૂસની સાથે છઠ્ઠી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી તો કુસલ મેન્ડિસ સાથે સાતમી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 300ને પાર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રથમ દિવસની રમત પૂર્ણ થાય તે પહેલા કામિંદુ 114 રન બનાવી એઝાજ પટેલનો શિકાર બન્યો હતો. કામિંદુ બવે શ્રીલંકા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં ચાર સદી ફટકારનાર બેટર બની ગયો છે. આ પહેલા રેકોર્ડ માઇકલ વેનડોર્ટના નામે હતો, જેણે 21 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તો કામિંદુએ પોતાની આ સદી સાથે ડોન બ્રેડમેના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. જેણે ટેસ્ટમાં પોતાની 11મી ઈનિંગમાં ચોથી સદી ફટકારી હતી. 


ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 4 સદી ફટકારનાર ખેલાડી
જ્યોર્જ હેડલી - 8 ઇનિંગ્સ
સુનીલ ગાવસ્કર – 8 ઇનિંગ્સ
વિનોદ કાંબલી – 8 ઇનિંગ્સ
હર્બર્ટ સટક્લિફ – 9 ઇનિંગ્સ
એવર્ટન વીક્સ – 9 ઇનિંગ્સ
હેરી બ્રુક - 9 ઇનિંગ્સ
એલન મેલવિલે - 10 ઇનિંગ્સ
નીલ હાર્વે - 10 ઇનિંગ્સ
પીટર પાર્ફિટ - 10 ઇનિંગ્સ
ડોન બ્રેડમેન – 11 ઇનિંગ્સ
કામિન્દુ મેન્ડિસ - 11 ઇનિંગ્સ


પ્રથમ દિવસે વિલિયમ ઓરૂર્કેએ ઝડપી 3 વિકેટ
ગાલે ટેસ્ટ મેચના પ્રથમ દિવસની વાત કરીએ તો ત્રણેય શેસનમાં રોમાંચ જોવા મળ્યો હતો. એક તરફ શ્રીલંકાની ટીમ દિવસના અંતે 300 રન બનાવવામાં સફળ રહી તો તેણે સાત વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ દિવસે વિલિયમ ઓ'રૂર્કેએ 3 વિકેટ જ્યારે ફિલિપ્સે બે વિકેટ લીધી હતી. આ સિવાય ટિમ સાઉદી અને પટેલને એક-એક સફળતા મળી હતી.