નવી દિલ્હીઃ કર્ણાટકના 18 વર્ષીય પ્રખર ચતુર્વેદી (Prakhar Chaturvedi)એ ઈતિહાસ રચી દીધો છે. તેણે મુંબઈ વિરુદ્ધ કૂચ બિહાર ટ્રોફી (Cooch Behar Trophy)ની ફાઈનલમાં 404 રનની અણનમ ઈનિંગ રમી અને દિગ્ગજ યુવાજ સિંહનો 24 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રખર ચતુર્વેદીએ કર્ણાટક અને મુંબઈ વચ્ચે રમાયેલી કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં બેટથી ધમાલ મચાવી હતી. તેણે 638 બોલ પર અણનમ 404 રનની ઈનિંગ રમી હતી. તેણે આ દરમિયાન 46 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી.


શિમોગામાં રમાયેલી આ ફાઈનલ મેચમાં કર્ણાટકે મુંબઈના બોલરોને ખુબ પરેશાન કર્યા હતા. કર્ણાટકે 8 વિકેટ ગુમાવી 890 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પ્રખર કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં 400 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 63ની નજીક રહી હતી. 


4 જિવસીય મુકાબલાવાળી ટૂર્નામેન્ટ કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં આ પહેલા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ દિગ્ગજ યુવરાજ સિંહના નામે હતો. હવે પ્રખરે પોતાની 404 રનની અણનમ ઈનિંગથી યુવરાજ સિંહને પાછળ છોડી દીધો છે.


ભારતની આ મુખ્ય અન્ડર-19 ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ વિજય ઝોલ (Vijay Zol)ના નામે છે. વિજયે 2011-12માં અસમ વિરુદ્ધ મહારાષ્ટ્ર માટે અણનમ 451 રન બનાવ્યા હતા. 


ભારત માટે વર્ષો સુધી રમનાર યુવરાજ સિંહે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં 358 રન બનાવ્યા હતા. વર્ષ 2000માં રમાયેલી કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલમાં યુવરાજે આ કમાલ કર્યો હતો. હવે તેનો રેકોર્ડ પ્રખરે તોડી દીધો છે. 


વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારા ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 400 રનનો વિશ્વ રેકોર્ડ બનાવી ચુક્યા છે. તેના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500 રનનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. તેમણે વર્ષ 1994માં કાઉન્ટી ક્રિકેટમાં ડરહમ વિરુદ્ધ 501 રનની ઈનિંગ રમી હતી. લારાએ ત્યારે 62 ચોગ્ગા અને 10 સિક્સ ફટકારી હતી. 


કર્ણાટક અને મુંબઈ વચ્ચે રમાયેલી કૂચ બિહાર ટ્રોફીની મેચમાં દિગ્ગજ રાહુલ દ્રવિડનો પુત્ર સમિત ડ્રવિડ પણ રમી રહ્યો હતો. તેણે કર્ણાટક માટે 22 રન બનાવ્યા અને બોલિંગમાં 2 વિકેટ લીધી હતી. કર્ણાટકના 890 રનના જવાબમાં મુંબઈએ 380 રન બનાવ્યા હતા.