IPL 2018: ધોનીની ટીમને ઝટકો, પ્રથમ મેચનો હીરો ટૂર્નામેન્ટમાંથી બહાર
ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી કેદાર જાધવ ઈજાને કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.
ચેન્નઈઃ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 1 વિકેટથી રોમાંચક જીતમાં કેદારે મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ચેન્નઈની ઈનિંગ દરમિયાન 13મી ઓવરના પાંચમાં બોલે કેદાર મેદાનની બહાર જતો રહ્યો હતો. ટીમ હાર અને જીત વચ્ચે સંઘર્ષ કરતી હતી ત્યારે કેદારે અંતિમ વિકેટના રૂપમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમને અંતિમ ઓવરમાં જીતવા માટે સાત રનની જરૂ હતી પરંતુ પ્રથમ ત્રણ બોલ ખાલી ગયા હતા. ઈજાની અસર તેના ચહેરા પર દેખાતી હતી. પરંતુ ચોથી બોલે સિક્સ અને પાંચમાં બોલે ફોર ફટકારીને તેણે ટીમને શાનદાર જીત અપાવી હતી.
ચેન્નઈ સુપર કિંગસના બેટિંગ કોચ માઇક હસીએ કહ્યું, તેનું ટૂર્નામેન્ટમાંથી બહાર થવું અમારા માટે મોટુ નુકસાન છે. મિડલ ઓર્ડરમાં તે અમારો મહત્વનો ખેલાડી હતી. ચેન્નઈએ આ વર્ષે જાન્યુઆરીમાં થયેલી હરાજીમાં જાધવને 7.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
ચેન્નઈ હવે પોતાની આગામી મેચ મંગળવારે કોલકત્તા નાઇટરાઇડર્સ વિરુદ્ધ પોતાના ઘરેલૂ મેદાન એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાનું છે. આ પહેલા ટીમને મિચેલ સેન્ટનરના રૂપમાં ઝટકો લાગી ચૂક્યો છે. ટીમે તેના સ્થાને અત્યાર સુધી કોઈ ખેલાડીનો સમાવેશ કર્યો નથી.