એજબેસ્ટનઃ ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે 1 ઓગસ્ટથી એશિઝ સિરીઝનો પ્રારંભ થશે. એક તરફ વિશ્વ કપ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે, તો બીજીતરફ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટની વાપસીથી ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત જોવા મળી રહી છે. ઈંગ્લેન્ડના જોફ્રા આર્ચરે અત્યાર સુધી એકપણ ટેસ્ટ મેચ રમી નથી. તે વિશ્વ કપના થોડા દિવસ પહેલા ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ થયો હતો. વનડેમાં સૌથી મોટી ટૂર્નામેન્ટમાં તેણે 20 વિકેટ ઝડપી હતી. આર્ચર સિવાય એશિઝ સિરીઝમાં જેસન રોય, એન્ડરસન, વોર્નર અને મિશેલ સ્ટાર્કના પ્રદર્શન પર બધાનું ધ્યાન રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ 2018મા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગને કારણે વોર્નર-સ્મિથ પર એક-એક વર્ષનો અને બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. વોર્નર-સ્મિથે વિશ્વ કપથી ટીમમાં વાપસી કરી હતી. તો બેનક્રોફ્ટે પ્રતિબંધ બાદ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ત્રણેય તે વિવાદ બાદ પ્રથમવાર એક સાથે ટેસ્ટ રમી શકે છે. ઈંગ્લેન્ડના ફેન્સ મેદાનમાં ત્રણેયની હુટિંગ પણ કરશે. તેવામાં તે જોવાનું રહેશે કે દબાવમાં ત્રણેય કેવું પ્રદર્શન કરી શકે છે. 


એશિઝમાં આ પાંચ ખેલાડીઓ પર રહેશે નજર

1. ડેવિડ વોર્નરઃ આ ઓસ્ટ્રેલિયન ઓપનરે વિશ્વ કપમાં 647 રન બનાવ્યા હતા. ત્રણ સદી ફટકારીને તેણે ફોર્મમાં હોવાના સંકેત આપી દીધા હતા. પરંતુ તેના શાનદાર પ્રદર્શન છતાં કાંગારૂ ટીમ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. વોર્નરના નામે ટેસ્ટમાં 21 સદીની મદદથી 6363 રન છે. આ દરમિયાન તેની એવરેજ 48.2ની રહી છે. છેલ્લે ઈંગ્લેન્ડમાં એશિઝ દરમિયાન તેણે 5 અડધી સદી ફટરારી હતી. પરંતુ સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. ટીમ 2-3થી એશિઝ હારી ગઈ હતી. તેવામાં તે આ વખતે સારૂ પ્રદર્શન કરવા ઈચ્છશે. 


2. જેસન રોયઃ ઈંગ્લેન્ડના આ ઓપનરે અત્યાર સુધી એક ટેસ્ટ રમી છે. આ દરમિયાન એક અડધી સદીની મદદથી કુલ 77 રન બનાવ્યા છે. વિશ્વ કપમાં રોયે 7 ઈનિંગમાં 443 રન બનાવ્યા હતા. 2012મા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એંડ્રૂયૂ સ્ટ્રોસે નિવૃતી લીધી હતી. ત્યારબાદ બીજો કોઈ ઓપનર નિયમિત રૂપથી રમી શક્યો નથી. આ દરમિયાન ટીમ 43માથી 27 મેચ જીતી છે. 11 મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ મેચ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ જેસન રોય પાસે આશા રાખશે કે તે ઓપનિંગની સમસ્યાનો અંત કરે. 


3. જોફ્રા આર્ચરઃ સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમનાર આર્ચર પ્રથમવાર ટેસ્ટ રમશે. તેણે વિશ્વ કપ ફાઇનલની સુપર ઓવરમાં ઈંગ્લેન્ડની જીત અપાવી હતી. બારબાડોસમાં જન્મેલા આર્ચરે પ્રથમ શ્રેણી મેચમાં 131 વિકેટ ઝડપી છે. 28 મુકાબલામાં તેની એવરેજ 23.44ની રહી છે. તે એન્ડરસન, બ્રોડ અને વોક્સની સાથે બોલિંગની ચોકડી બનાવશે. ટીમને તેની પાસે વિશ્વ કપની જેમ દમદાર પ્રદર્શનની આશા હશે. 


4. જેમ્સ એન્ડરસનઃ 37 વર્ષીય જેમ્સ એન્ડરસનને હાલમાં વિશ્વનો સૌથી શાનદાર બોલર માનવામાં આવે છે. તે ઈજાને કારણે આયર્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાંથી ખસી ગયો હતો. એન્ડરસનને ડ્યૂક્સ બોલનો કિંગ ઓફ સ્વિંગ માનવામાં આવે છે. તેણે 148 ટેસ્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેણે 575 વિકેટ ઝડપી છે. એન્ડરસને 18 વર્ષના કરિયરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 31 ટેસ્ટમાં 104 વિકેટ લીધી છે. પાંચ વખત તેણે 5+ વિકેટ ઝડપી છે. તે ઓસ્ટ્રેલિયાની જીતમાં સૌથી મોટું વિઘ્ન બની શકે છે. 

5. મિશેલ સ્ટાર્કઃ વિશ્વ કપમાં સૌથી વધુ 27 વિકેટ ઝડપનાર મિશેલ સ્ટાર્ક પર બધાની નજર રહેશે. ફેન્ચ ઈચ્છશે કે તે વનડેની સૌથી મોટી ટૂર્નામેન્ટની જેમ આ પ્રતિષ્ઠિત ટેસ્ટ સિરીઝમાં પણ પ્રદર્શન કરે. સ્ટાર્કને આ દરમિયાન જેમ્સ પેટિન્સન, પીટર સિડલ, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડનો સાથ મળશે. 51 ટેસ્ટમાં 211 વિકેટ ઝડપી ચુકેલા સ્ટાર્કની યોર્કર બોલ મલિંગા બાદ સૌથી શાનદાર માનવામાં આવે છે. સ્ટાર્કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 12 ટેસ્ટમાં 51 વિકેટ ઝડપી છે.