IND vs WI: યુવા બોલર ખલીલ અહમદને આઈસીસીએ લગાવી ફટકાર, આપી ચેતવણી
ખલીલ અહમદે 14મી ઓવરમાં વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન સૈમુઅલ્સને આઉટ કર્યા બાદ અપશબ્દ બોલ્યો હતો.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર ખલીલ અહમદને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મંગળવારે સત્તાવાર ચેતવણી આપી છે. આઈસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે ખલીલને ખેલાડીઓ અને સ્પોર્ટ સ્ટાફ માટે કોડ ઓફ કંડક્ટના લેવલ-1ના ભંગનો દોષી ગણવામાં આવ્યો છે. આઈસીસી તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે, ખલીલે તેની ભૂલનો સ્વીકાર કરી લીધો છે.
ખલીલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી ચોથી વનડેમાં માત્ર 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ભારતે રોહિત શર્મા (162) અને અંબાતી રાયડૂ (100)ની સદીની મદદથી મેચમાં 5 વિકેટ પર 377 રન બનાવ્યા ત્યારબાદ પ્રવાસી ટીમ 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ ઘટના મેચની 14મી ઓવરમાં બની હતી. જ્યારે લેફ્ટ આર્મ ફાસ્ટર ખલીલે વેસ્ટ ઈન્ડિઝના માર્લોન સૈમુઅલ્સને આઉટ કર્યા બાદ તેની તરફ આક્રમક અંદાજમાં ફર્યો હતો. મેદાન પર હાજર અમ્પાયર ઇયાન ગોલ્ડ અને અનિલ ચૌધરીએ તેને યોગ્ય એક્શન ન ગણી ત્યારબાદ ખલીલને સત્તાવાર રીતે ચેતવણી આપવામાં આવી અને 1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે. 20 વર્ષના ફાસ્ટર ખલીલે કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.5નો ભંગ કર્યો હતો. ખલીલ અહમદે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો છે ત્યારબાદ હવે સત્તાવાર સુનાવણીની જરૂર પડશે નહીં.