મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના આક્રમક બેટ્સમેન કિરોન પોલાર્ડે સોશિયલ મીડિયા પરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. પરંતુ હજુ પણ તેના નામે એવો રેકોર્ડ છે જે કોઈપણ ક્રિકેટર તોડી શકે તેમ નથી. પોલાર્ડના રેકોર્ડની સામે રોહિત શર્મા અને ક્રિેસ ગેલ જેવા ધુઆંધાર બેટ્સમેનો પણ પાછળ છે. વેસ્ટ ઈન્ડિઝના ટી-20 ટીમના કેપ્ટન કિરોન પોલાર્ડે શુક્રવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી. પોલાર્ડે અચાનક નિવૃતિની જાહેરાત કરતાં તેના ફેન્સને મોટો આઘાત લાગ્યો. તેણે 15 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. લાંબી સિક્સ ફટકારવાના મામલામાં પોલાર્ડની આજુબાજુ કોઈ બેટ્સમેન નથી. ત્યારે પોલાર્ડના નામે કયા-કયા રેકોર્ડ છે આવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


15 વર્ષની કારકિર્દીમાં બનાવ્યા અઢળક રન:
કિરોન પોલાર્ડે વેસ્ટ ઈન્ડિઝની ટીમ તરફથી 15 વર્ષની કારકિર્દીમાં 224 આંતરરાષ્ટ્રીય મેચ રમી. આ કોઈ ટેસ્ટ મેચ રમતાં પુરુષ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી મોટો નંબર છે. સાઉથ આફ્રિકાનો ડેવિડ મિલર જ પોલાર્ડથી આગળ છે. જેણે વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 238 મેચ રમી છે.


ટી-20ની એક ઓવરમાં 6 સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન:
પોલાર્ડ ટી-20 ઈન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સ ફટકારનાર બીજો ખેલાડી છે. પોલાર્ડે ગયા વર્ષે શ્રીલંકા સામે ટી-20 સિરીઝ દરમિયાન અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી. પોલાર્ડ પહેલાં ભારતના યુવરાજ સિંહે આ સિદ્ધિ મેળવી હતી. તેણે 2007માં વર્લ્ડ ટી-20 દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સ ફટકારીને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા.


દરેક 21.23 બોલ પર એક સિક્સ:
વન-ડે ઈન્ટરનેશનલમાં પોલાર્ડ સરેરાશ 21.23 બોલ પર સિક્સ ફટકારે છે. જે 100 કે તેનાથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેનમાં શાહિદ આફ્રિદી પછી બીજો સર્વશ્રેષ્ઠ રેશિયો છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પોલાર્ડની ટીમમેટ ક્રિસ ગેલ પણ આ મામલામાં પોલાર્ડથી પાછળ છે.


વન-ડે ઈન્ટરનેશનલમાં સિક્સ ફટકારવામાં બીજા નંબરે:
પોલાર્ડ વેસ્ટ ઈન્ડિઝ માટે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલે બીજા નંબરે છે. 298 મેચની વન-ડે કારકિર્દીમાં 330 સિક્સની સાથે માત્ર ક્રિસ ગેલ જ પોલાર્ડથી આગળ છે. પોલાર્ડના નામે 123 મેચમાં 135 સિકસ છે.


ટી-20માં ચોગ્ગા કરતાં વધારે છગ્ગા:
પોલાર્ડ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ચોગ્ગા કરતાં વધારે છગ્ગા ફટકારનાર ત્રણ ખેલાડીમાંથી એક છે. પોતાની 101 મેચની ટી-20 કારકિર્દીમાં પોલાર્ડે 99 છગ્ગા અને 94 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે આંદ્રે રસેલે 62 સિક્સ અને 42 ફોર ફટકારી છે. જ્યારે એવિન લુઈસે આ જ ફોર્મેટમાં 110 સિક્સ અને 106 ચોક્કા ફટકાર્યા છે. ટી-20 ઈન્ટરનેશનલમાં માત્ર સાત બેટ્સમેનો જ પોલાર્ડથી સિક્સ ફટકારવામાં આગળ છે. ટી-20માં ક્રિસ ગેલની 124 સિક્સ અને એવિન લુઈસની 110 સિક્સ છે. જોકે હવે પોલાર્ડે નિવૃતિ લઈ લીધી છે. એટલે બીજા બેટ્સમેનોને તેનો રેકોર્ડ તોડવાની તક રહેશે. પરંતુ તે તોડવામાં બહુ લાંબો સમય લાગશે.